‘પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેનને ઘરે બેસવું પડ્યું’, આ નિવેદન BJPના કયા MLAએ આપ્યું? જાણો વિગત
ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલીને બોલ્યા હતાં કે, હાર્દિક પટેલના પાટીદાર અનામતના કારણે અમારા આનંદીબેન પટેલને સીએમનું પદ છોડી ઘરે બેસવું પડ્યું. તેઓ આટલે જ અટક્યા નહીં અને કહ્યું હતું કે, ભાજપ સરકાર ક્યારે પણ બંધારણ સાથે કોઈ ચેડા નહીં કરવા દે, જ્યારે ભાજપ સરકારે પટેલ સમાજને સ્પષ્ટ કહીં દીધું હતું કે, બંધારણમાં કોઈ ફેરફાર નહીં થાય અને અનામત મળી શકે તેમ નથી.
ધારાસભ્ય નરેશ પટેલે આદિવાસીઓને રિઝવવા પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આદિવાસીઓની અનામત હંમેશા સુરક્ષિત જ રહેશે. પાટીદાર અનામત આંદોલનના સામે આદિવાસી અનામત સુરક્ષિત છે અને રહેશે. પાટીદાર અનામત આંદોલનને લઈ હાર્દિક પટેલનો અસલી ચહેરો ઉઘાડો પડી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચીખલીના સુરખાઈ ગામે આદિવાસી લોકનાયક બિરસા મુંડાની જન્મ જયંતીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સમયે આદીવાસીઓને ખુશ કરવા માટે નરેશ પટેલે ભાન ભુલી એવું સંબોધન કર્યું હતું કે, આગામી સમયમાં કદાચ તેઓ ભાજપના મોવડી મંડળના રોષનો ભોગ બની શકે છે.
ભાજપ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આદિવાસીઓની ઓછી સંખ્યા રહેતા ધારાસભ્ય નરેશ પટેલ ચિંતાતૂર થઈ ગયા હતા. પાંખી હાજરીને લઈ મંત્રી ઈશ્વર પરમાર પણ અનુપસ્થિત રહ્યા હતા. 9 વાગ્યાનો કાર્યક્રમ બે કલાક બાદ પણ શરૂ થઈ શક્યો ન હતો.
નવસારી: ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ ભાન ભુલ્યા અને ના બોલવાનું બોલી કાઢતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. નરેશ પટેલે પૂર્વ સીએમ આનંદીબેનના પદ છોડવા અને પાટીદાર અનામતને લઈ એવું ખુલ્લુ નિવેદન આપ્યું હતું કે, જે મુદ્દે ભાજપે પણ આજ દિવસ સુધી મગનું નામ મરી નથી પાડ્યું.