વડોદરામાં ઇદના દિવસે કોમી હિંસા, કરણી સેનાની રેલી પર તોફાની ટોળાએ કર્યો પથ્થરમારો
બીજી બાજુ તોફાન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે અન્ય વિસ્તારોમાં તોફાનો પ્રશરે તે પહેલાં શહેર પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો ન્યાય મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અને બેકાબુ બનેલા ટોળાને વિખેરવા માટે પોલીસે દૂધવાળા મહોલ્લા અને લહેરીપુરા દરવાજા-એમજી રોડ પર 10 જેટલા ટિયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. દૂધવાળા મહોલ્લા પાસે બનેલી ઘટનાના પડઘા અન્ય લઘુમતી વિસ્તારોમાં પડે તે પૂર્વે શહેર પોલીસ તંત્ર દ્વારા તમામ સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવી દેવામાં આવ્યું હતું. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દરમિયાન દૂધવાળા મહોલ્લા પાસે રેલી ઉપર પથ્થરમારો થતાં કોમી હિંસા ફાટી નીકળી હોવાનું કહેવાય છે. રેલી ઉપર પથ્થરમારો થતાંજ ટોળા સામસામે આવી ગયો હતા. તોફાની ટોળાએ રોડ ઉપર પડેલી 4 થી 5 જેટલી ગાડીઓની તોડફોડ કરી હતી. આજે રમઝાન ઇદ હોવાથી અને સાંજનો સમય હોવાથી શહેરીજનોનો ફરવા નીકળ્યા હોઇ, ન્યાય મંદિર વિસ્તારમાં ભારે ભીડ હતી. દૂધવાળા મહોલ્લા અને એમ.જી. રોડ ઉપર પથ્થરમારો શરૂ થતાંજ લોકોએ જીવ બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી. જોતજોતામાં ન્યાય મંદિર વિસ્તાર અને એમ.જી. રોડની દુકાનો ટપોટપ બંધ થઇ ગઇ હતી.
મળેલી માહિતી પ્રમાણે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપુત કરણી સેના દ્વારા રાજકીય અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની આગેવાનીમાં પ્રતાપનગર ઋણમુકેશ્વર મહાદેવ મંદિર પાસેથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં સેનાના કાર્યકરો ખુલ્લી તલવારો સાથે જોડાયા હતા. મહારાણા પ્રતાપ અને કરણી સેનાના જય જય કાર સાથે નીકળેલી રેલી ચોખંડી, માંડવી, ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લા પાસેથી પસાર થઇ રહી હતી.
શહેરમાં દિવસ દરમિયાન કોમીએખલાસભર્યા વાતાવરણમાં રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. સમી સાંજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપુત કરણી સેના ખુલ્લી તલવારો સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. રેલી ન્યાય મંદિર દૂધવાળા મહોલ્લા પાસેથી પસાર થતાંજ કોમી ભડકો થયો હતો. તોફાની ટોળા દ્વારા ભારે પથ્થરમારો અને ગાડીઓની તોડફોડ કરાઇ હતી. તોફાન શરૂ થતા ન્યાય મંદિર વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી. બેકાબુ બનેલા ટોળાને અંકુશમાં લેવા પોલીસને બેથી વધુ અશ્રુવાયુના સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે ચાર દરવાજા વિસ્તારમાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વડોદરાઃ શહેરમાં ગઇકાલે મોડી સાંજે ઇદના તહેવાર નિમિત્તે કોમી હિંસા ફાટી નીકળ્યાની ઘટના બની, કોમીએખલાસભર્યા વાતાવરણમાં રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી થઇ રહી હતી, ત્યારે બીજી બાજુ મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે રાજપૂત કરણી સેના દ્વારા ખુલ્લી તલવારો સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી. આ દરમિયાન કેટલાક તોફાની ટોળાએ પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડ મચાવી હતી. જેને લઇને જોતજોતામાં કોમી અથડામણ થઇ ગઇ હતી. જોકે, બાદમાં પોલીસે ટીયર ગેસના બે સેલ છોડીને તોફાની ટોળાને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.