પાટીદારોને અનામત આપવા મુદ્દે અરૂણ જેટલીએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત
અમદાવાદઃ પાટીદાર અનામતનો મામલો ગુજરાતમાં ગરમ છે ત્યારે અનામત મુદ્દે પાટીદારોને આંચકો આપે એવું નિવેદન આપતાં ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય નાણાં મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે અનામતને લઇ સુપ્રીમ કોર્ટનો નિર્ણય પણ સ્પષ્ટ છે. 50 ટકાથી વધારે અનામત આપી શકાય નહીં.
તેમણે આક્ષેપ મૂક્યો કે, કોંગ્રેસ હવે ગુજરાતમાં અરાજકતા લાવશે. કોંગ્રેસ આક્ષેપ લગાવે છે કે NDA સરકાર સંસદ સત્રથી ભાગી રહી છે. GST અંગે નિવેદન આપતા અરૂણ જેટલીએ જણાવ્યું કે GSTની આગામી ચૂંટણી પર જરૂરથી સકારાત્મક અસર પડશે. ભાજપનો ચૂંટણી ઢંઢેરો તૈયાર છે.
કોંગ્રેસનાં નીતિ અને અભિયાન જે પણ ચાલી રહ્યાં છે તે સંપૂર્ણ વિકાસ વિરોધી જ ચાલે છે. ભાજપે તો હંમેશાં વિકાસની ગતિ આગળ વધારી છે. જ્યારે કોંગ્રેસ તો સમાજનાં ભાગલા પાડી ચૂંટણી લડવા માગે છે. ગુજરાત પ્રગતીશીલ રાજ્ય છે જેથી અહીં જાતિવાદ નહીં ચાલે. ટૂંક સમયમાં જ હવે સંસદનું શીતકાલિન સત્ર યોજાશે.
ભાજપના ચૂંટણી પ્રભારી અરૂણ જેટલીએ નિવેદન આગામી વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ પર પ્રહાર કરતાં નિવેદન આપતા જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાટીદારોને અનામત આપવાની વાત કરે છે. ગુજરાતમાં સંપૂર્ણ માહોલ ભાજપ તરફી છે તેથી ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે તેવો દાવો તેમણે કર્યો.
જેટલીએ ભાજપ પાટીદારોને અનામત આપવા નથી માગતો તેનો સ્પષ્ટ સંકેત આપતાં કહ્યું કે, જો 50 ટકાથી વધારે અનામત આપવામાં આવે તો તેનાંથી બીજા સમાજોને પણ જરૂરથી અન્યાય થાય. જેટલીના નિવેદનનો સ્પષ્ટ અર્થ એ થાય કે ભાજપ હાલમાં પાટીદારોને અનામત આપવાના મૂડમાં નથી.