હિંમતનગરઃ ડી.જી. વણઝારાની ભાણીનો ગોળી મારી આપઘાત, પતિના લગ્નેત્તર સંબંધોની શંકા
હિંમતનગરઃ ડી.જી. વણઝારાની ભાણી અને હિંમતનગરના મહાવીરનગરમાં પીએસઆઇ ચંદ્રેશ નાયકની પત્નીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રિવોલ્વરનો અવાજ આવતાં પાડોશીઓ દોડી આવ્યા હતા. પતિના આડા સંબંધોના કારણે પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં અમદાવાદ એસીપી મનજીતા વણઝારા હિંમતનગર દોડી આવ્યા હતા.
પીએસઆઇ નાયક અત્યારે મહેસાણા જિલ્લાના વસાઇ પોલીસ સ્ટેશને ફરજ બજાવે છે. તેમના પત્ની શિક્ષકા તરીકે ફરજ બજાવે છે. PSI ચંદ્રેશ નાયક રજા પર ઘરે આવ્યા હતાં. દરમિયાન શિક્ષિકા પત્નીએ આજે બપોરે પતિની સર્વિસ રિવોલ્વરથી ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલિસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.
આ અંગે એવી પણ વિગતો સામે આવી છે કે, પતિના અન્ય યુવતી સાથે આડા સંબંધોની આશંકાને કારણે આ પગલું ભર્યું હોઈ શકે છે. આત્મહત્યા પહેલા ચંદ્રેશ અને પત્ની વચ્ચે બોલાચાલી થઈ હોવાનું આસપાસના લોકો ચર્ચા કરી રહ્યા હતાં.