ભાવનગરઃ 'તેં ઘોડી કેમ ખરીદી' તેમ કહી દલિત યુવકની કરાઇ હત્યા
ભાવનગરઃ ભાવનગરમાં ઘોડી ખરીદવા પર એક દલિત યુવકની હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. મળતી વિગતો અનુસાર, ભાવનગરના ટીંબી ગામે દલિત યુવાન પ્રદીપ રાઠોડે બે મહિના અગાઉ એક ઘોડી ખરીદી હતી. તે ગામમાં ઘોડી લઇને ફરતો હતો જેનાથી ગુસ્સે ભરાયેલા કેટલાક લોકોએ તેની હત્યા કરી દીધી હતી.
પોલીસે આ કેસમાં 3 લોકો સામે ફરિયાદ નોંધી છે.પરિવારજનોની માંગ છે કે જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં..
મળતી જાણકારી અનુસાર, પ્રદીપ રાઠોડ ઘોડી પર બેસી ગામમાંથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કેટલાક શખ્સોએ તેને રોકી અપમાનિત કરી કોઈ દિવસ ઘોડી પર બેસતો નહીં તેમ કહી ગાળો ભાંડી તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી પ્રદીપને મોતને ઘાટ ઉતારી દીધો.
મૃતક યુવકના પરિવારજનોએ દાવો કર્યો હતો કે કેટલાક લોકો પ્રદીપને ગામમાંથી ઘોડી પર બેસીને નિકળતો નહી તેવી ધમકી આપતા હતા. પોલીસે આ મામલે એકની ધરપકડ કરી હતી.