ઢસા સ્વામિનારાયણ ગુરુકુળ વિવાદમાં ફસાયેલા સ્વામી અગાઉ જેલમાં ગયા હતા, શું છે અપરાધ?
આ અંગેની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપે થોડા સમય પહેલા નકલી ચલણી નોટ પ્રકરણમાં તેમની ધરપકડ કરી હતી. આ કેસમાં તેઓ જામીન ઉપર છૂટેલા છે. ત્યારે અક્ષર પ્રકાશસ્વામી ફરીથી વિદ્યાર્થિનીઓને માર મારવા તથા સતામણીનાં આક્ષેપનો ભોગ બનતાં વધારે એક વિવાદ સર્જાવા પામ્યો છે.
બોટાદઃ ગઢડા તાલુકાના ઢસા ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણતી 15 જેટલી વિદ્યાર્થિનીઓને ગઈ કાલે બસને કારણે સ્કૂલે મોડી પહોંચતા સ્વામી દ્વારા માર મારવામાં આવતાં હોબાળો મચી ગયો હતો. સ્વામી દ્વારા માર મારવામાં આવતાં વિદ્યાર્થિનીઓએ 181 મહિલા હેલ્પલાઇનને ફોન કરીને મદદ માગી હતી. જેથી મહિલા કાઉન્સિલર રંજન મકવાણાએ વિદ્યાર્થિનીઓનું કાઉન્સેલિંગ કરતાં એક વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, તેમને ગુરુજી જાતીય રીતે હેરાન કરે છે. ગુરુજી અમને રૂમમાં એકલા બોલાવીને હેરાન કરે છે. જોકે, આ વિવાદમાં ફસેલા અક્ષર પ્રકાશસ્વામીએ તમામ આક્ષેપો ફગાવ્યા હતા. ત્યારે આ સ્વામી અનેક એક કેસમાં જેલમાં ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને અનુસંધાને જિલ્લા બાળ સુરક્ષા કચેરીનાં હેમાંગીબેન દ્વારા પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સંચાલક સાધુ દ્વારા કોઈ ઠપકો આપ્યાનો અને બીજી બાબતોનો ઇન્કાર કર્યો હતો. ગઈ કાલે થયેલા હોબાળા પછી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, આ ઘટના સંદર્ભે કોઈ પોલીસ ફરિયાદ ન થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગઈ કાલે ઢસાના સ્વામિનારાયણ ગુરૂકુળમાં શાળાના સંચાલક અક્ષરપ્રકાશ સ્વામી દ્વારા સોમવારે અંદાજે ૧૨ જેટલી વિદ્યાર્થિનીઓ એસટી બસના કારણે શાળામાં નિયત સમય કરતા મોડી પહોંચી હતી. જેથી સ્વામીજી દ્વારા માર માર્યો હોવાનો આક્ષેપ વિદ્યાર્થિનીઓએ લગાવ્યો હતો. આ બાબતે વિદ્યાર્થિનીઓ દ્વારા બોટાદ મહિલા હેલ્પ લાઇન ૧૮૧નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેથી હેલ્પલાઈનનાં કાઉન્સિલર રંજનબેન મકવાણાએ ઢસા પહોંચી પીડિત વિદ્યાર્થિનીઓની કથની સાંભળવામાં આવી હતી. તેમાં કેટલીક વિદ્યાર્થિનીઓ દ્વારા ચોંકાવનારી હકીકતોની પણ મૌખિક રજૂઆત કરી હતી કે, સ્વામીજી દ્વારા અમોને સતામણી પણ કરવામાં આવે છે.