પાસ કન્વીનરોએ કોંગ્રેસ પાસે ટિકિટ માગી હતી આ મુદ્દે પાસના નેતા દિનેશ બાંભણિયાએ શું કરી સ્પષ્ટતા, જાણો વિગતે
દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે પાસનું વિસર્જન નહીં થાય એને મારી અને હાર્દિક પટેલ વચ્ચે કોઈ મતભેદો નથી. આવા સમાચાર ભાજપ ફેલાવી રહ્યું છે.
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માથે છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી કોંગ્રેસ અને પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) વચ્ચે થયેલી માથાકુટ પછી કેટલાંક ખુલાસા સામે આવી રહ્યા છે. મંગળવારે સારે કેટલીક ખાનગી ટીવી ચેનલોમાં એવા સમાચાર સામે આવ્યા હતાં કે હાર્દિક પટેલ પાસનું વિસર્જન કરી રહ્યો છે અને તેમની અને પાસના બીજા નેતાઓ સાથે તેમના મતભેદો તીવ્ર થઈ રહ્યા છે.
સુરતમાં તો પાસ અને કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. મોડી રાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો. પાસનાં કાર્યકરો છેલ્લે કોંગ્રેસ કાર્યાલય પર હલ્લા બોલ કર્યો હતો. ભરત સોલંકીનાં ઘર પાસે દિનેશ બાંભણીયાને પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી પણ થઇ હતી. દિનેશની ફેંટ પકડી પોલીસ જીપ તરફ દોરી ગઇ હતી. તેની સામે દિનેશે પોલીસ પર દુર્વ્યહવારનો આરોપ કર્યો હતો.
કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરતાંની સાથે થોડી જ વારમાં પાટીદાર અનામત આંદોલનનાં કાર્યકરોએ તેની સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસે પાસનાં બે કન્વીનરને ટિકિટ આપતા આખો મામલો બીચક્યો હતો. મોડી રાત્રે પાસનાં કન્વીનરો કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીનાં ઘરે પહોંચી ગયા હતા. ત્યાં તેમણે હોબાળો કરતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.
પાસના કન્વીનરોએ કોંગ્રેસ પાસે વધારે ટિકિટો માંગી હતી અને તે નહીં મળતાં વિખવાદ ઉભો થયો હતો તેના જવાબમાં દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આ ખોટી અફવા છે, અમે કોંગ્રેસ પાસે ટિકિટો માંગી નથી.
દિનેશ બાંભણિયાએ એ પણ સ્પષ્ટતા કરી હતી કે પાસના કન્વીનરો ટિકિટોની માંગણી કરતાં નથી. અનામતની પોલીસી અને ટિકિટ વહેંચણીને લઈને કોંગ્રેસ સાથે થયેલા મતભેદો અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે હાર્દિક પટેલ એક-બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અનામત અંગે કોને સમર્થન આપવું તે અંગે જાહેરાત કરશે.