ધોળકામાં હાર્દિકનો હુંકારઃ ટીવીમાં જોયું તેની પર મગજ ના દોડાવતા, અત્યાચારીઓને પાડી દેવાના છે
અમદાવાદઃ પાસના નેતા હાર્દિક પટેલે ધોળકાના ત્રાસદ ખાતે ‘ચોક પે ચર્ચા’માં વિકાસના મુદ્દે ભાજપ પર નિશાન તાકતા કહ્યું હતું કે, ગુજરાતમાં વિકાસનો જન્મ થયો જ નથી. ભાજપના કોઇપણ નેતાને વિકાસના મુદ્દે મારી સાથે ડિબેટ કરવા ખુલ્લી ચેલેન્જ છે. આવી હાલત છે ત્યારે ભાજપને આ વખતે પાડી દેવાનો છે. ભાજપને હાર દેખાતા બચવા માટે સંખ્યાબંધ ઉમેદવારોને અપક્ષ તરીકે મેદાનમાં ઉતાર્યા છે અને દરેક બેઠક પર પાંચ છ અપક્ષ ઊભા કરીને કરોડો રૂપિયા અપક્ષ ઉમેદવારોને આપવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાતની જનતાએ સમજદાર બનવું પડશે. ચાર પાંચ દિવસથી પાસમાં તોડફોડની વાત ચાલે છે પરંતુ તેમાં કોઇ ટિકિટની લડાઇ નથી અને માગી પણ નથી આ અનામતની લડાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્દિકે એમ પણ કહ્યું કે, ‘છેલ્લા બે ત્રણ દિવસથી મીડિયા મને સાંભળવા આતુર હતું, પણ ધોળકામાં જ ઘણા લોકો મારી જાહેર સભા રોકવા માગતા હતા. સત્તામાં બેઠેલા લોકો મને રોકી શકે છે, પણ તેમણે સમજવું જરૂરી છે કે, બે મહિના સુધી (આચારસંહિતા) લોકો પાસે સત્તા છે.’ પાટીદારો પર કેસ પાછા ખેંચવાની સરકારની જાહેરાત વિશે હાર્દિકે કહ્યું કે, ‘સરકારે કોઈ કેસ પાછો ખેંચ્યો નથી, જે પાટીદારો માટે મોટી લપડાક છે.’
હાર્દિકે વિકાસને એક સામાન્ય પ્રક્રિયા ગણાવતા કહ્યું કે, આ કોઈ રાજકારણીની દેન કે કોઈ જાદુ નથી. આ તો ચાલતી આવતી પ્રક્રિયા છે. હાર્દિકે જીએસટી અને નોટબંધી મુદ્દે પણ પ્રહાર કર્યા. તેણે કહ્યું કે, જીએસટી અને નોટબંધીથી લોકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. વડાપ્રધાનનો ઉલ્લેખ કરતા હાર્દિકે કહ્યું કે, ‘હું નરેન્દ્ર મોદીનો વિરોધ કરું છું, કારણ કે અમે અધિકાર માગ્યા તો અમને મારવામાં આવ્યા.’
ડિજિટલ ઇન્ડિયા પર પ્રહારો કરતા હાર્દિકે કહ્યું કે, ‘સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે, પરંતુ અહીં ગામડાંમાં મોબાઇલ નેટવર્ક નથી. સૌરાષ્ટ્રનું એક ગામડું વ્યવસ્થિત કર્યું નથી. હું કોઈ ભાજપ કે કોંગ્રેસની તરફેણ કરતો નથી, હું શું કામ તેમની ચિંતા કરું, તેઓ મારા પિતરાઈ નથી. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ કે જ્યાં રાજકારણી અભિનેતા બની ગયા છે. તેઓ હજી હિંદુ અને મુસ્લિમના નામે આપણને ડરાવશે. આપણી નજીકનું ઓડ ગામ 2002ના રમખાણોનું સાક્ષી રહ્યું છે. આ કેસના આરોપી હજી મારા સંપર્કમાં છે, તેઓ સત્તામાં બેઠેલા લોકોથી ખૂબ દુઃખી છે.
પાસ કન્વીનરે વધુમાં કહ્યું કે, ‘કોઈ પણ રાજકીય પક્ષ, જે તમને ખેતીમાંથી સારી આવક, સારી નોકરીઓ, યુવાનોને સારી સ્કૂલ કોલેજોમાં એડમિશનની ખાતરી આપે, તે જ તમારી પસંદગી હોવી જોઈએ. આખો દેશ ગુજરાતીઓને વેપારી અને હોશિયાર માને છે, ના પણ આપણે હોશિયાર નથી, જો હોશિયાર હોત તો 25 વર્ષ આમને સત્તા પર બેસાડી રાખ્યા ન હોત. હાર્દિક પટેલ અને તમે બધા આમને ચૂંટીને મૂર્ખ બની ગયા છીએ. ચૂંટણીઓ વખતે તેઓ આપણને ભાવુક અપીલ કરશે અને આપણે સૌ ગુજરાતીઓેને ભરમાવશે. જ્યારે તેઓ વોટ માગવા આવે ત્યારે તેમને પૂછજો કે ખેડૂતોનો ટેકાના સારા ભાવ ક્યારે આપશો.’
હાર્દિકે વધુમાં કહ્યું કે, ‘જ્યારે અમે સક્રિય રાજકારણમાં કોઈને મળીએ તો લોકો ચૂંટણી રાજકારણના અમારી પર આરોપો લગાવવાનું શરૂ કરે છે, પણ કોઈ વડાપ્રધાન સામે સવાલ ઉઠાવતું નથી, જેઓ છેલ્લા છ મહિનામાં વારંવાર ગુજરાત આવીને ગયા. ભાજપ અને કોંગ્રેસ લોકો વિશે વિચારતા નથી, પણ એક સારા ઉમેદવારને ચૂંટવાનો આપણી પાસે આ સમય છે.’
રાજ્યમાં રોજગાર બાબતે હાર્દિકે કહ્યું કે, ‘ફોર્ડ અને નેનો પ્લાન્ટ્સમાં ગુજરાતીઓ નોકરી પણ ન મેળવી શક્યા. લોકો મને વારંવાર પૂછે છે કે ક્યારે આપણે ક્વોટા મેળવીશું. હું તેમને કહું છું કે, હું સરકારમાં નથી. તમારે એ પૂછવો જોઈએ કે, ખેતી પેદાશોની એમએસપી ક્યારે મળશે, તમારાં સંતાનો સારું શિક્ષણ અને સારી નોકરીઓ ક્યારે મળશે. આપણે આપણા અધિકારીઓ મેળવતા નથી તેમાં 182 ધારાસભ્યો, મુખ્યપ્રધાન કે વડાપ્રધાનનો વાંક નથી. વાસ્તવમાં આ આપણો વાંક છે, કારણ કે આપણે જ તેમને ચૂંટી લાવ્યા છીએ. આપણે જ છીએ કે જેમણે 22 વર્ષ સુધી આ પાર્ટીને સત્તા સોંપ્યે રાખી છે. દેશમાં આવો ઇતિહાસ કોઈ રાજ્યે રચ્યો નથી.’ હાર્દિકે પાટીદાર આંદોલન વખતે માર્યા ગયેલા યુવાનોની યાદ અપાવતા કહ્યું કે, ”ચાર કે પાંચ ટિકિટ માટે પાટીદાર યુવાનોની શહીદી ન ભૂલતા. હું એક પણ પાર્ટી તરફથી એક પણ ટિકિટની આશા રાખતો નથી.’
- - - - - - - - - Advertisement - - - - - - - - -