Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ઉના-ગીરગઢડામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘતાંડવ યથાવત્ છે ત્યારે હવામાન વિભાગે ફરી સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છે અને દક્ષિણ ગુજરાત પરથી ઉતર ગુજરાત તરફ જશે. જેના કારણે ઉતર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે. આ સિસ્ટમ સક્રિય હોવાના કારણે હજુ પણ ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડશે.
જોકે ઉના અને ગીર ગઢડામાં આંશિક વિરામ બાદ ફરી મેઘસવારી ફરી વળી હતી. ઊના-ગીરગઢડા પંથકનાં તમામ ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ઉના-ગીર ગઢડામાં 14થી 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. એકધારું સાંબેલાધારે આકાશમાંથી પાણી વરસતા સીમાસી ગામ જળબંબોળ સ્થિતીમાં ફેરવાઈ ગયું હતું. નીંચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ જતા અનેક મકાનોમાં પાણી ઘુસી જતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા હતા.
નાઘેરમાં છેલ્લા અઠવાડિયાથી મેઘરાજાની મહેર હતી પરંતુ સોમવારે તો જાણે કે મેઘ કહેર હોય એમ ચારોતરફ પાણી- પાણી કરી દેતા અને નદીઓમાં ઘોડાપૂર આવતા ભયાવહ સ્થિતી ઉભી થઈ હતી.ઊના-ગીરગઢડા પંથકમાં જાણે કે આભ ફાટ્યું હોય એમ ચારોતરફ મેઘાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ઊના-સીલોજ રોડ સહિતનાં તમામ હાઈવે પાણીમાં ગાયબ થઈ ગયા હતા અને ઊના તરફ આવવાનાં માર્ગો બંધ થતા વાહન-વ્યવહાર ખોરવાયો હતો.
ઉપરવાસમાં ભારે વરસાદને પગલે હાઈવે પર પાણી ભરાયા હતા અને એકધારો વરસાદ વરસી રહ્યો હોવાથી નદીની જેમ પાણીનો પ્રવાહ વહેતો થઈ જતા વાહન ચાલકોને થંભી જવું પડ્યું હતું. મોટા ભાગનાં માર્ગો પર આ સ્થિતી જોવા મળી રહી હતી.ઊના પાલિકાનાં કોમ્પલેક્ષમાં વ્યાપક વરસાદથી પાણી ભરાયા હતા. જેમાં અન્ડરગ્રાઉન્ડમાં ગળાડૂબ પાણી ભરાઈ જતા પાલિકાનાં પ્રમુખ, ચીફ ઓફિસરની આગેવાનીમાં સ્ટાફે પાણી નિકાલ માટે મહેનતમાં લાગી ગયા હતા. જો કે, વરસાદ સતત ચાલુ હોય બપોર બાદ મેઘરાજાએ વિરામ લેતા સ્થિતી કાંઈક હળવી થઈ હતી. વ્યાપક વરસાદનાં પગલે દુકાનનાં શટરો પાડી દેવામાં આવ્યાં હતા.
આંકડાની વાત કરીએ ગીરગઢડામાં 16.5 ઇંચ, ઉનામાં 14.5 ઇંચ, તાલાલામાં 10, જાફરાબાદમાં 8, રાજુલામાં 6, ખાંભામાં 4, ધારી-સાવરકુંડલામાં 1, જામકંડોરણામાં 1.5, ગોંડલમાં 2, ડોળાસામાં 5.5 કોડીનારમાં 3 માધવપુર ઘેડમાં 2.5 મેંદરડામાં 4.5 વિસાવદરમાં 3, વેરાવળમાં 1.5, સુત્રાપાડામાં 2 અને કેશોદમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આગામી પાંચ દિવસ ભારે વરસાદના આગાહી છે. જેમાં હવામાન વિભાગે જણાવ્યુ છે કે દાહોદ,પંચમહાલ,વડોદરા, મહિસાગર, અરવલ્લી, છોટા ઉદયપુર, આણંદ, ખેડા, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા, ભાવનગર,રાજકોટ,બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડશે. જ્યારે વલસાડ,નવસારી, સુરત, સોમનાથ, અમરેલી અને જુનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 જુલાઈના પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સર્જાશે અને લો પ્રેશરના કારણે પણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. (વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....)
- - - - - - - - - Advertisement - - - - - - - - -