પાટણઃ સગીરાને પિતરાઈએ બનાવી હવસનો શિકાર, બની સગર્ભા, હાઈકોર્ટે આપ્યો શું આદેશ ?
અમદાવાદઃ પાટણની પંદર વર્ષની રેપપીડિતા સગીરાને ચાર મહિનાના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટે મંજૂરી આપી દીધી છે. હાઇકોર્ટે સગીર બાળાને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગર્ભપાતની પ્રક્રિયા નિષ્ણાત તબીબોની પેનલના માર્ગદર્શન હેઠળ હાથ ધરવાનો આદેશ આપ્યો હતો. સગીરાને સારવાર માટે જરૂરી દવા અને અન્ય સહાય પણ પુરી પાડવાનો આદેશ કોર્ટે સતાવાળાઓને આપ્યો હતો.
રિપોર્ટ મુજબ પીડિતાને ૧૩ સપ્તાહ અને છ દિવસનો ગર્ભ છે. ૨૦ સપ્તાહથી ઓછો ગર્ભ હોય તો કાયદા મુજબ, તેનું ટર્મીનેશન થઇ શકે છે. વળી, સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિ સારી છે, જે જોતાં સગીર બાળાનો જો ગર્ભપાત કરવામાં આવે તો કંઇ વાધો નથી, તે મેડિકલી ફીટ છે. સિવિલ હોસ્પિટલ સત્તાધીશોનો રિપોર્ટ ધ્યાનમાં લઇ હાઇકોર્ટે સગીર બાળાના ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી.
આ કેસમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલમાં અગાઉ સારવાર માટે દાખલ કરવાનો હુકમ કરી તેની શારીરિક અને ગર્ભપાત અંગેનો રિપોર્ટ મંગાવ્યો હતો. ત્યારબાદ સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.સ્વાતિ પટેલ રૂબરૂ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા અને કોર્ટને રિપોર્ટ રજૂ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે 14 વર્ષની સગીરા પર તેના પિતરાઈ ભાઈએ બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આરોપી હાલ જેલમાં છે. ત્યારે કોર્ટે પીડિતાના મેડિકલ રિપોર્ટ જોયા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા તેમજ ત્યાં ગર્ભપાત કરાવવા અંગેનો હુકમ કર્યો છે.
અરજદારના વકીલ મનોજ શ્રીમાળીએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ કેસમાં પીડિતાને તેમના સગાનો જ યુવક ભગાડી ગયો હતો અને દોઢ મહિના સુધી તેને કચ્છમાં ગોંધી રાખી તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેનાથી તેણી ગર્ભવતી બની હતી. અરજદારની પુત્રી અને તેના પરિવારજનોની માનસિક સ્થિતિ અને સામાજિક સંજોગો જોતાં તેમને ગર્ભપાત માટેની મંજૂરી આપવી જોઇએ.