હાર્દિકના સમર્થનમાં ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન, તસવીરોમાં જુઓ ક્યાં થયો કેવો વિરોધ
અમદાવાદઃ પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફ કરવા સરકાર સામે પડેલા પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં ગુજરાતભરમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે.
સુરતમાં અનેક કૉલેજોમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, પોલીસે વિરોધ કરી રહેલા 5 વિદ્યાર્થીઓના વાહનોને ડિટેન કરી લીધા હતા. આ ઉપરાંત અમરોલી આવી કૉલેજ અને ધારુકા કૉલેજમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રનું ભાયાવદાર ગામે હાર્દિકના સમર્થનમાં સંપૂર્ણપણે પાળ્યું છે, તમામ દુકાનો, લારી-ગલ્લા અને સ્કૂલ કૉલેજો બંધ કરીને સરકાર સામે જબરદસ્ત વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. ગોંડલમાં પણ આર વી કૉલેજને બંધ કરાવીને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં પણ ઠેરઠેર પાટીદારો વિરોધમાં રસ્તાંઓ પર ઉતર્યા છે. ઉભરાણ, કિશોરપુરા, સુંદરપુરા સહિતના ગામડાઓમાં હાર્દિકના સમર્થનમાં થાળી વેલણથી મહિલાઓ સમર્થન કરી રહી છે. ઉપરાંત 50થી વધુ પાટીદારોએ મુંડન પણ કરાવ્યાનો અહેવાલ છે.
હાર્દિક પટેલના ઉપવાસનો આજે 13મો દિવસ છે, જોકે, સરકાર તરફથી હજુ સુધી કોઇ વાટાઘાટો કે મધ્યસ્થી કરવામાં આવી નથી, જેના કારણે પાટીદાર સમાજમો રોષ ફેલાયો છે. યુવાનો દ્વારા ગુજરાતભરમાં ઠેરઠેર માર્કેટની દુકાનો અને કૉલેજો બંધ કરાવવામાં આવી રહી છે.
ઉપરાંત સાબરકાંઠાના ગામડાઓમાં પાટીદાર નેતા સી કે પટેલનો જબરદસ્ત વિરોધ કરવામાં આવી રહ્યો છે. હડિયોલ, બેરણાં, સોનાસણ, હાજીપુર સહિતના ગામડાંઓમાં રામધૂન કરીને સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હાર્દિક પટેલના સમર્થનમાં ક્યાંક પૂતળા દહન તો ક્યાંક મહિલાઓ દ્વારા વેલણથી થાળી વગાડીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, વળી, યુવાઓ દ્વારા બજાર તેમજ સ્કૂલ અને કૉલેજો બંધ કરાવવામાં આવી રહી છે.