સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે જલપ્રલય, ઉત્તર ગુજરાત, અમદાવાદમાં વરસાદની આગાહી
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રમાં સતત પાંચમા દિવસે વરસાદે તબાહી મચાવી છે. માધવપુર અને ઘેડમાં 10 ઇંચ, માંગરોળમાં આઠ, માળિયામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે તેવામાં હજુ ઉત્તર ગુજરાત અને અમદાવાદ વરસાદ માટે વલખા મારી રહ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતારણ જોવા મળી રહ્યું છે.
ઘેડ વિસ્તારના નવાગામ, ચીકાસા, ગરેજ, ભડ, લુસાડા, મિત્રાડા, દેડોદર, માહિયારી સહિત 15 ગામોમાં પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાવાના કારણે પાકને ભારે નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અમરેલીના કલ્યાણપુરમાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ વરસાદ પડતા એસ ટીની 473 બસ ટ્રીપ રદ કરવામાં આવી છે.
ભારે વરસાદને કારણે ગીર સોમનાથના વેરાવળમાં એસટી બસ સ્ટેન્ડ અને ભાલકાતિર્થ મંદિરના પરિસરમાં પણ પાણી ભરાયા હતા. તો દેવકા નદીની આસપાસના વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામાનો કરવો પડી રહ્યો છે. પોરબંદર જિલ્લાના ઘેડ વિસ્તારમાં 15 ગામોમાં પાણી ભરાયા છે.
રાજ્યમાં 15 જૂનથી સત્તાવાર ચોમાસું બેઠ્યું છે. પરંતુ રાજ્યના 10 જિલ્લાઓમાં હજુ પણ 25 ટકાથી ઓછો વરસાદ થયો છે. બનાસકાંઠામાં 14.67, પાટણમાં 17.04 ટકા, મહેસાણામાં 11.90 ટકા, સાબરકાંઠામાં 25 ટકા, ગાંધીનગરમાં 11.40 ટકા અને અમદાવાદમાં 12.94 ટકા વરસાદ નોંધાયો છે.