બનાસકાંઠામાં મેઘતાંડવઃ માનવ અને પશુઓના મૃતદેહોની ભયાવહતાથી અનેક ગામોનું હૈયાફાટ રૂદન
Download ABP Live App and Watch All Latest Videos
View In Appધાનેરા પંથકના ૧૫ ગામોમાં હજુ પાણી છે જે સંપર્ક વિહોણા છે. બનાસકાંઠામાં સ્ટેટ અને નેશનલ હાઇવે મળી ૧૧૨ તેમજ ગામડાઓના ૩૪૯ મળી અંદાજે ૪૬૧ જેટલા રસ્તા હજુ બંધ છે. જેને પગલે ૪૮૮ એસટી રૂટ બંધ છે. જેમાં સૌથી વધુ અસર પાલનપુર, થરાદ, ડીસા, દિયોદર, દાંતા, ધાનેરા, કાંકરેજમાં છે. ધાનેરામાં છેલ્લા પાંચ દિવસથી વરસી રહેલા અવિરત વરસાદ ને કારણે આખું ધાનેરા પાણીમાં હતું જયારે આજે પાંચમા દિવસે મેઘરાજાએ ખમૈયા કરતાં અને પાણી ઓસરતાં બુધવારે લોકો પોતાની જરૂરી ચીજ વસ્તુઓ માટે બજારમાં આવ્યા હતા. જોકે, બધું જ પાણીમાં ખતમ થઇ ગયું હોવાથી ભારે નિરાશા સાથે પરત ફર્યા હતા.
ધાનેરા નગરમાંથી ૧૩, માલેત્રામાંથી ૨, અનાપરગઢમાંથી ૧ અને મોટામેરા ગામેથી એક માનવ લાશ મળતાં ભય સાથે અરેરાટી પ્રસરી ગઈ છે. કાંકરેજ પંથકમાંથી ૨૧ માનવ લાશ મળતાં લોકો હચમચી ગયા છે. એનડીઆરએફ સહિત જવાનો દ્વારા રાહત કામગીરી ત્રીજા દિવસે પણ પુરજોશમાં ચાલી હતી ત્યાં હજુ પણ જિલ્લાના ૯૦થી વધુ ગામો સંપર્ક વિહોણા છે. જેમાં લાખણી તાલુકાના ૩૯, કાંકરેજના ૨૩, અમીરગઢના ૩, દાંતીવાડાના ૩, વાવના ૫, થરાદના ૫ અને પાલનપુરનું એક ગામ સંપર્ક વિહોણું છે, અહીં જવા માટે કોઇ રસ્તા રહ્યા નથી. જોકે, આમાં ધાનેરાના ગામડાઓની વિગતો પણ તંત્ર પાસે હજુ આવી શકી નથી.
અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસના ઘોડાપૂરના પાણી ઓસરતાં મેઘતાંડવની ભયાનકતા સામે આવી રહી છે. જિલ્લામાં હજુ ૯૦ ગામો સંપર્કવિહોણા છે. ધાનેરાના ૧૫થી વધુ ગામો હજુ પાણીમાં છે અને હજારો લોકોના જીવ હજુ પડીકે બંધાયેલા છે. ધાનેરાની હાલત તો અતિ ખરાબ છે. ગંજબજાર સહિત વિસ્તારમાં હજુ પાણી વહી રહ્યાં છે. ધાનેરા, કાંકરેજ સહિત જિલ્લામાં ૫૦થી વધુનાં મોત થયાનું બહાર આવ્યું છે તો ઢોરના મોતનો આંક બે હજારથી વધુ હોવાનો અંદાજો છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા જળપ્રકોપને કારણે બુધવાર સુધીમાં ૧૫૦થી વધુનાં મોત નોંધાયાં છે.
બનાસકાંઠા જિલ્લામાં હજુ ૪૬૧ જેટલા રસ્તા બંધ છે. બીજી તરફ, એનડીઆરએફની ૩, બીએસએફની ૬, સેનાની એક અને એસઆરપીની ૨ સહિત વહીવટી તંત્ર દ્વારા રાહત કામગીરી પુરજોશમાં હાથ ધરવામાં આવી છે. ધાનેરામાં પૂરને પગલે ગંદકીનો ખડકલો થતાં રોગચાળો ફાટી નીકળવાની ભારે દહેશત સેવાઇ રહી છે.
કાંકરેજમાં 25, ધાનેરામાં 16, પાલનપુરમાં 6, વડગામ, લાખણી અને વાવમાં એક-એક વ્યક્તિનાં મોત સહિત બનાસકાંઠા જિલ્લામાં મૃત્યુ આંક 50એ પહોંચ્યો છે. આ વર્ષે બહાર આવેલી કરુણાંતિકા વર્ષ 2015ના પૂરની આફતને પણ ભૂલાવી દે તેવી છે. કાંકરેજ તાલુકાના ખારિયા ગામમાં દેશલાજી નવાજી ઠાકોરના પરિવારના 6 ભાઇઓનો 17 જણાનો પરિવાર રહેતો હતો. પૂરના 10 ફૂટથી વધુ ઉંચાઇથી વહેતા પાણીમાં એક પછી એક સભ્યો તણાઇ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -