દક્ષિણ અને મધ્ય ગુજરાત જળબંબાકાર, 100 જેટલા ગામ સંપર્કવિહોણા, અનેક ડેમ ઓવરફ્લો
વંથલીમાં ભારે વરસાદને લઇને ઉબેણ નદીમાં ઘોડાપૂર આવતા એક્ટિવામાં સવાર 2 યુવકો તણાયા હતા. જોકે તેમાંથી એક યુવકને બચાવી લેવાયો હતો. માળિયા હાટીનાના રહેવાસી મનીષ ચુડાસમાનું મોત થયુ છે. વરસાદને લઇ ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
અમરેલીના વડિયાના બરવાળા બાવળ ગામે નદીમાં યુવક તણાયો હતો. એનડીઆરએફની ટીમ યુવકની શોધખોળ કરી રહી છે. જૂનાગઢમાં પણ આજે વરસાદ યથાવત છે. ગીરમાં દિવસ દરમિયાન 10 ઇંચ વરસાદ ખાબક્યો. ભારે વરસાદને કારણે દામોદર કુંડ બે કાંઠે વહી રહ્યો છે. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અંડર બ્રિજમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
સુરતના માગરોળના ગીઝરમ ગામે વહેલી સવારે કાચું મકાન ધરાશાયી થતાં પતિ, પત્ની અને પુત્રી દબાયા હતા. જો કે તમામને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢયા હતા. સુરતના પર્વત ગામમાં પૂરમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતું. ખાડી ઑવરફ્લો થતાં પાણી રસ્તા મકાનમાં ઘૂસ્યા હતા. ફાયર વિભાગે લોકોનું રેસ્કયૂ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી વરસી રહેલા વરસાદે નદીઓમાં ઘોડાપૂર લાવી દીધું છે. સુરત, નવસારી, વલસાડ, વડોદરા સહિતના શહેરોમાં અનેક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. અનેક ગામો સંપર્કવિહોણાં બની ગયાં છે . નવસારીમાં ભારે વરસાદથી દેવધા ડેમ ઓવરફ્લો થયો હતો અને ડેમના પાણી રસ્તા પર ફરી વળ્યાં હતા.
ગાંધીનગરઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે રાજ્યના 100 જેટલા ગામો સંપર્ક વિહોણા થઇ ગયા છે. બીજી તરફ અમદાવાદ અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં ખેડૂતો હજુ પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે.