સ્વામિનારાયણ સાધુઓના લેપટોપ-મોબાઇલ જપ્ત કરવા કેમ અપાયો આદેશ? જાણો
ભુજઃ ભુજ સ્વામિનારાયણ મંદિરના સ્વામીના ત્રણ યુવતીઓ સાથેના પ્રેમસંબંધના વિવાદ પછી મંદિરના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ ભુજ સ્વામિનારાયણ મંદિરના સાધુ-સંતો અને ટ્રસ્ટીમંડળને ચેતવણી આપતો પત્ર લખ્યો છે. કેન્યા, લંડન અને નૈરોબીના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ આ પત્ર લખ્યો છે. જેમાં કોઈ પણ સાધુએ મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ ન રાખવા તાકીદ કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં, જો કોઇ પાસે અત્યારે મોબાઈલ, લેપટોપ અથવા આઈપેડ હોય તો જમા કરાવી દેવા તાકીદ કરી છે. આ સાથે સાધુઓને મોબાઇલ અથવા અન્ય ઉપકરણના ઉપયોગને લઈને કેટલીક ગાઇડલાઇન પણ આપવામાં આવી છે. સંતો બહાર જાય ત્યારે તેમના ડ્રાઈવર કે હરિભક્તનો મોબાઇલ ઉપયોગમાં લેવાની છૂટ આપી છે. જોકે, આ સમયે તેમને પોતાની પાસે મોબાઇલ ન રાખવા તાકીદ કરાઈ છે.
પત્રમાં એમ પણ જણાવાયું છે કે, ગાયોના ચારા માટે એકઠું થતું ફંડ જમા રહે તે યોગ્ય નથી. તેનો યોગ્ય ઉપયોગ કરો. ગુરુકુળોમાં લેવાતી ઊંચી ફી અંગે પણ વિચારવા કહ્યું છે.
પ્રમુખ દ્વારા પાઠવેલા પત્ર અંગે ભુજ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને સંતોનો અભિપ્રાય અને આ અન્વયે શું પગલાં લેવાશે તે અંગે પણ જવાબ મંગાયો છે. નૈરોબીથી આવેલા પત્રમાં જણાવાયું છે કે, કેટલાક સંતો દ્વારા મોડી રાત્રે સભાઓ થાય છે, જેમાં ભાઈઓ-બહેનો હોય છે. જેથી એકબીજા ઉપર દ્રષ્ટિ પડ્યા વિના રહે નહીં. નિયમ ધરમ પણ સચવાતો નથી. હાલમાં જે ટીકાઓ થાય છે તેનું કારણ પણ સભાઓ હોઈ શકે.
પત્રમાં એમ ઉલ્લેખ કરાયો છે કે, હરિભક્તો પહેલેથી જ કહે છે સાધુઓ મોબાઈલ રાખે છે તે અયોગ્ય છે. સાધુ પાસે મોબાઈલ, આઈપેડ કે લેપટોપ ન હોવા જોઈએ. ભુજ મંદિરના ટ્રસ્ટીમંડળને અનુરોધ છે તેઓ મોબાઈલ વાપરે નહીં જો કોઈની પાસે હોય તો તાત્કાલિક જપ્ત કરવા. સંતો-પાર્ષદો, સાંખ્યયોગી બહેનો જે સ્માર્ટફોન વાપરે છે તેનાથી નિયમધર્મમાં રહેવું કઠણ બને છે અને ત્યાગીના નિયમ ધર્મમાંથી લપસી જવાય છે.
તેમણે આવી રાત્રીસભાઓ બંધ થવી જોઈએ તેમ જણાવ્યું છે. સ્વામિનારાયણ મંદિર સ્ટેનમોર, આફ્રિકાના પ્રમુખે પાઠવેલા પત્રોમાં જણાવ્યું છે કે, ભુજ મંદિરના સાધુઓના બનાવથી મંદિર અને સ્વામિનારાયણ સંપ્રદાયની છબી ખરડાઈ છે જે શરમજનક છે. સાધુનો ધર્મ સત્સંગ છે તે કરવું અને કરાવવું જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -