ગુજરાતના આ વિસ્તારમાં 10 દિવસમાં પડ્યો અધધધ 62 ઈંચ વરસાદ, 15 ગામ આખાં ડૂબી ગયાં, જાણો અત્યારે શું છે હાલત?
આ ઉપરાંત ગીર સોમનાથમાં ભારે વરસાદના કારણ ઘણાં ગામડાઓ સંપર્કવિહોણા બન્યા હતા અને ઘણાં ગામડાંઓમાં લોકો ફસાયા હતા જોકે તેમને રેસ્ક્યુ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતાં. ઉનાના ઘણાં ગામડાંઓમાં તો પૂરની સ્થિતિ સર્જાઈ હતી.
ખેડૂતો પોતાની વાડીએ પશુઓ દોહવા ગયા હતા અને કેટલાંય દિવસોથી વાડીઓમાં ફસાયા હતા. ગામના આગેવાને પુલ નીચે છાતીસમા પાણીમાં ઉતરીને ગામ લોકોને બહાર કાઢ્યા હતા.
ગ્રામજને જણાવ્યું હતું કે, સતત 10થી 12 દિવસ સુધી મેઘરાજા કોપાયમાન થયા હોય તેમ વરસી રહ્યા હતા. આ ગામની વસ્તી 5 હજાર છે. 7 દિવસ સુધી ગામમાં કેડસમા પાણી ભરાયેલા હતા. આજે પાણી ઓસરવા લાગ્યા છે જ્યારે વરસાદ હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયેલા હતા. નીચાણવાળા વિસ્તારોના લોકો માટે કપરા દિવસો હતા.
બરડામાં 700 જ્યારે માઢમાં 250ની વસ્તી ધરાવતું ગામ છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગોહિલવાડ ગામના આગેવાને જણાવ્યું હતું કે આવો વરસાદ ક્યારેય જોયો નથી, વાડીઓમાં ખેડૂતો ઘણાં દિવસો સુધી ભૂખ્યા રહ્યા હતા.
કેટલાંય દિવસો સુધી લોકોના ઘરનો ચૂલો સળગ્યો નહતો કારણ કે ઘર વખરી જ પાણીમાં તરવા લાગી હતી. વીજપુરવઠો ખોરવાતા રાત્રે અંધારપટ્ટ છવાઇ જતો હતો અને પાણીમાં દિવસો પસાર કર્યા હતા. અમારા ગામના તમામ ખેડૂતોની જમીનનું ધોવાણ થઈ ગયું છે. ગામમાં 12 પશુઓનાં મોત નીપજ્યાં છે.
જૂનાગઢ: ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ કોડીનાર તાલુકામાં 10 દિવસમાં 62 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જોકે ગુરૂવાર સવારથી વરસાદે થોડો વિરામ લીધો છે. કોડીનાર તાલુકાના હજુ 15 એવા ગામો જ્યાં કેડસમા પાણી ભરાયેલા છે. બરડા અને માઢ ગામ હજુ પણ સંપર્કવિહોણા છે ત્યાં વાહન વ્યવહારની અવર-જવર બંધ છે.
આજ રોજ મામલતદાર સહિતના અધિકારીઓએ મુલાકાત લીધી હતી. વિઠ્ઠલપુર ગામે ભારે વરસાદથી 30થી 40 ખેડૂતો અને માલધારીઓ વાડીઓમાં ફસાયા હતા. સવારે વરસાદ રહેતા એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતાં.
કોડીનાર તાલુકાને છેલ્લા 11 દિવસથી ધમરોળતા વરસાદના કારણે 15 જેટલા ગામોમાંથી લોકોની અવર-જવર બંધ થઈ ગઈ છે. મોબાઇલથી જ સંપર્ક થતો હોય એવા આલીદર, હરમડિયા, પીછવી, પીચવા, છારા, ગોહિલની ખાણ, વિઠલપુર, પેઢાવાડા, આણદપુર, નાની મોટી ફફણી, સેઠાયા, અરણેજ, કોટડા, માંઢવાડ સહિતના ગામોમાં વાહનોની આવન-જાવન કરી શકતા નથી.