ઉ.ગુજરાત અને અમદાવાદમાં વરસાદની એન્ટ્રી, અંબાજી-વિજયનગરમાં રોડ પર નદીઓ વહેતી થઈ
ખેડબ્રહ્મા તાલુકામાં સમી સાંજે પડેલા વરસાદ અને રાજસ્થાન ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ખેડબ્રહ્મની હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી હતી. જેથી તંત્ર દ્વારા કોઝવે બંધ કરવાની ફરજ પડી હતી. નદી બે કાંઠે વહેતી થથાં શહેરી જનો જોવા ઉમટી પડ્યા હતા.
બનાસકાંઠા નજીક રાજસ્થાનમાં આવેલી સુંધામાતાની ગિરિમાળાઓમાં પણ ભારે વરસાદ પડ્યો હતો, જેને લીધે ઘણા યાત્રાળુઓ અટવાયા હતા. અહીં વરસાદને કારણે સીપુ ડેમમાં પાણીની આવક થઈ હતી.
અમદાવાદમાં મોડી સાંજે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. રામોલ, સીટીએમ સહિત પૂર્વ વિસ્તારોના મોટા ભાગના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. બીજી તરફ ઉત્તર ગુજરાતના અંબાજીમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. એ જ રીતે બનાસકાંઠામાં વરસાદ આવતા બનાસ નદીમાં નવાં નીરની આવક થઈ ગતી.
અમદાવાદઃ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ વરસાદે અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ હતી. ગુજરાતમાં ચોમાસું બેસ્યા બાદ પણ અમદાવાદ તથા ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ પડ્યો નહોતો, જોકે ગુરુવારે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે વિજયનગર અને અંબાજીના રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
આ સિવાય અરવલ્લીના ભિલોડા, શામળાજીમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. ભિલોડામાં એક ઇંચ, શામળાજીમાં 2 ઇંચ, ધનસુરામાં 3 ઇંચ, મોડાસામાં 2 ઇંચ, બાયડમાં 1 ઇંચ, મેઘરજમાં 1.5 ઇંચ, માલપુરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.
દાંતામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. ધનસુરામાં 5 ઈંચ, સતલાસણામાં 4 ઈંચ, અમીરગઢમાં 4 ઈંચ, ખેબ્રહ્મામાં 3 ઈંચ અને વિજયનગરમાં 3 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો હતો.