નડિયાદ આપઘાત કેસઃ કલ્પના સાથે જય પંચાલે શા માટે કર્યો હતો ઝઘડો? જાણો કારણ
નડિયાદ: શહેરના ચકચારી કલ્પના રોહિત આપઘાત કેસમાં એક પછી એક વિગતો સામે આવી હતી. ગઈ કાલે જય પંચાલ ઉપરાંત રોહિત મહેશ્વરીનું નામ પણ આપઘાત કેસમાં સામે આવ્યું હતું. ત્યારે હવે એવી ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, કલ્પનાએ આપઘાત કર્યો તે પહેલા જય પંચાલ સાથે તેનો ઝઘડો થયો હતો અને આ ઝઘડા પછી લાગી આવતાં તેણે આ પગલું ભર્યું હતું.
કલ્પના રોહિતે કર્મવીર સામ્રાજ્ય ફ્લેટના નવમાં માળેથી પડતું મૂકી આપઘાત કરતા પહેલાં કલ્પના અને તેના બોયફ્રેન્ડ જય પંચાલ વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. આ ઝઘડાના મૂળમાં રોહિત મહેશ્વરી સાથેના સંબંધો કારણભૂત હતા. બંને વચ્ચે રોહિત મહેશ્વરી અને કલ્પના રોહિત વચ્ચે ફોન પર વાત કરવાને લઈને ઝઘડો થયો હતો. કલ્પના રોહિત સાથે વાત કરતી હોવાથી તેને ગમ્યું નહોતું.
નડિયાદ ટાઉન પોલીસે રોહિત મહેશ્વરની પણ સઘન પૂછપરછ કરી હતી. જેમાં તેની સંડોવણી માલુમ પડી ન હોવાથી તેને જવા દેવાયો હોવાનું પોલીસસૂત્રોએ જણાવ્યું હતું. હાલ આ સમગ્ર બનાવની વધુ તપાસ એસટી એસી સેલના નાયબ પોલીસ અધિક્ષક એમ.એન. વાઘેલાને સોંપવામાં આવી છે.
બંને વચ્ચે ઝઘડો થયા પછી જયે કલ્પનાના મોબાઇલમાંથી તમામ ડેટા ડિલિટ કરી દીધાં હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, જય અને કલ્પનાની વચ્ચે રોહિત મહેશ્વરીને લઇ થયેલા ઝઘડા દરમિયાન બંન્ને વચ્ચે મારામારી સુધી વાત પહોંચી હોવાની શક્યતાને પણ નકારી શકાય એમ નથી. કેમકે જયના શરીર પર ઉઝરડાના નિશાન જોવા મળ્યા હોવાનું જાહેર થઇ ચૂક્યું છે.
નડિયાદમાં કલ્પના રોહિતના આત્મહત્યાના બનાવની મોડસ ઓપરેન્ડી જોતા આ બનાવ ખરેખર આત્મહત્યાનો છે કે પછી હત્યાનો તે બાબતે રહસ્ય ઘૂંટાય છે. કલ્પના અને જય વચ્ચે છેલ્લે રોહિત મહેશ્વરી સાથેના સંબંધોને લઇ ગુસ્સે ભરાયેલા જય પંચાલે તેની સાથે ઝઘડો કર્યો હોવાની વિગતોએ આ બનાવમાં વળાંક આવ્યો છે.