કોંગ્રેસે ખોડલધામ સાથે સંકળાયેલા ક્યા ત્રણ પાટીદારોને ટિકિટ આપી નરેશ પટેલને કરી દીધા ખુશ? જાણો વિગત
અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ‘નવસર્જન યાત્રા’ની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી કરવામાં આવી હતી. તે સમયે ત્રીજા દિવસે જ રાહુલ ગાંધી સહિત પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ કાગવડ ખોડલધામના દર્શન માટે ગયા હતાં. અહીં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત અન્ય ટ્રસ્ટીઓ દ્વારા કોંગ્રેસના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં બંધબારણે એક મીટિંગ પણ કરવામાં આવી હતી જોકે આ મીટિંગને બિનરાજકીય ગણાવી હતી.
ઉમેદવારી ફોર્મ ભર્યાની સાથે જ તેઓએ લીધેલી ખોડલધામ અને નરેશ પટેલની મુલાકાત સૂચક ગણવામાં આવી રહી છે. જોકે હવે જોવાનું એ રહ્યું કે નરેશ પટેલ દ્વારા કોંગ્રેસના જે ત્રણ ઉમેદવારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે તે ત્રણેય ઉમેદવારોને ચૂંટણીનો જંગ જીતાડવામાં મદદરૂપ થશે કે કેમ?
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતાઓ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ગુજરાત ગૌરવ યાત્રા દરમિયાન ખોડલધામની મુલાકાત લીધી હતી જ્યાં દર્શન કર્યા હતાં. જ્યારે ખોડલધામના ટ્રસ્ટીઓએ વિજય રૂપાણી સાથે બંધબારણે બેઠક કરી હતી. જોકે બેઠકને પણ ટ્રસ્ટીઓ દ્વાર બિનરાજકીય ગણાવી હતી. જ્યારે કોંગ્રેસના પાટીદાર ઉમેદવારો નરેશ પટેલ અને ખોડલધઆમ સાથે ગાઢ સંબંધો ધરાવે છે.
અન્ય સમાજ કરતાં પાટીદાર સમાજનુંમ પ્રભુત્વ રાજકોટ અને જિલ્લામાં જોવા મળી રહ્યો છે. જ્યારે પાટીદાર સમાજની ખોડલધામ પરની આસ્થા સર્વવિદિત છે. ત્યારે વિધાનસભા 68માંથી કોંગ્રેસે મિતુલ દોંગાને 71માંથી દિનેશ ચોવટીયાને અને 74માંથી જેતપુર બેઠક પરથી રવિ આંબલિયાને ટિકિટ આપી છે. વિધાનસભા 68, 71 અને 74માંથી ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના ત્રણયે ઉમેદવારોએ ખોડલધામ ખાતે માં ખોડિયારના દર્શન કર્યા જ્યારે ત્રણેય ઉમેદવારોને નરેશ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં.
રાહુલ ગાંધી સહિતના નેતાઓની મુલાકાત દરમિયાન મિતુલ દોંગા પણ હાજર રહ્યા હતા. ‘આપને હમારે લિયે દરવાજે ખુલ્લે રખે હૈ તો હમારે દિલ્હી કે દરવાજે ભી આપકે લિયે ખુલે રહેંગે’ ખોડલધામમાં આવું રાહુલ ગાંધીએ ચેરમેન નરેશ પટેલને કહ્યું હતું.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ પક્ષો ગુજરાતના મતદારોને આકર્ષવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ પણ આ વર્ષે ગુજરાતમાં પોતાની સરકાર બનાવવાના મક્કમ ઈરાદા સાથે મેદાને ઉતાર્યાં છે. પ્રથમ તબક્કાનું મતદાન આગામી 9 ડિસેમ્બરના રોજ થવાનું છે. જેમાં સૌરાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌ કોઈની નજર રાજકોટ પર છે. કારણ કે ગુજરાતના મુખ્યમંત્રી પોતે રાજકોટથી ચૂંટણી લડે છે. કોંગ્રેસે આ વખતે પાટીદાર નેતાઓને મેદાનમાં ઉતાર્યાં છે. કોંગ્રેસ દ્વારા ખોડલધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા અને નરેશ પટેલના અંગત મનાતા ત્રણ ઉમેદવારને વિધાનસભા 68, 71 અને 74માં ટિકિટ આપી છે.