ગુજરાતમાં નવરાત્રિ વેકેશન અંગે સરકારે શું આપ્યો મહત્વનો આદેશ ? ક્યા શહેરમાં સંચાલકો વેકેશન નહીં આપવા મક્કમ ?
બોર્ડ કે શિક્ષણતંત્ર તરફથી અન્ય કોઇ સૂચના ન આવે ત્યાં સુધી નવરાત્રિ વેકેશન ફરજિયાત રહેશે. સુરતની શાળાઓ દ્વારા ઉપર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તે અંગેની કોઇ સૂચના આવી નથી. એટલે હાલમાં નવરાત્રિ વેકેશન ફરજિયાત છે.
સુરતની ખાનગી શાળાઓએ એકજૂટ થવાની સાથે જ નવરાત્રિ વેકેશન ન આપવાની દિશામાં ઝુંબેશ શરૃ કરી છે. જેમાં વાલીઓને નવરાત્રિ વેકેશન ન આપવાની સાથે જ 21 દિવસનું દિવાળી વેકેશન આપવાની વાતો કરાઇ રહી છે. વાલીઓ પાસે તે અંગે સંમતિપત્રક લખાવી દેવાની સાથે જ મોબાઇલ પર તે અંગેના મેસેજ કરવામાં આવી રહ્યા છે.
આ બાબતે શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીએ સંકલનમાં રહીને વેકેશનની તારીખો જાહેર કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ આ પરિપત્રની જાણ સરકારી, ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, પીટીસી કોલેજો અને આપણા તાબા હેઠળની તમામ શાળાઓને કરવાની રહેશે. શિક્ષણાધિકારીએ તમામ ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને પત્ર મોકલીને વેકેશનની સૂચના આપી છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકે જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણમંત્રીએ નવરાત્રિ વેકેશનની જાહેરાત કરી છે. પ્રાથમિક શાળાઓમાં પણ તેની મંજૂરી સાથે જ 10થી 17 ઓક્ટોબર સુધી નવરાત્રિ વેકેશન રહેશે. 5થી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે અને બાદમાં 19મીથી બીજુ શૈક્ષણિક સત્ર ચાલુ થશે.
ગાંધીનગરઃ શ્રાદ્ધ પક્ષ પૂરો થતાં જ નવરાત્રિ શરૂ થશે. નવરાત્રિ વેકેશનને મુદ્દે શાળા પ્રશાસન અને શિક્ષણતંત્ર વચ્ચેના આ ઘર્ષણમાં વાલીઓનો મરો થઇ રહ્યો છે. એવામાં હવે વધુ એક વાર ટકોર કરવાની સાથે જ શાળાઓમાં નવરાત્રિ વેકેશનના અમલની જવાબદારી જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હોવાની સૂચના અપાઈ છે.