દાહોદમાં ધોરણ 10નું ગુજરાતીનું પેપર લીક, મામલતદારે સ્કૂલના રૂમનું તાળું તોડતા ઝેરોક્ષ મશીન મળ્યું
ગાંગરડીવાલાએ પોતાના ડ્રાયવર સાથે ચાવીઓ તો મોકલી હતી પરંતુ શંકા હતી તે રૂમની જ ચાવી નહોતી. જેથી મામલતદાર પટેલે તાળુ તોડાવતાં રૂમમાંથી એક મીની ઝેરોક્ષ મશીન સાથે ગુજરાતીના સોલ્વ કરેલા પેપરની ફાડી નાખેલા ટુકડા, માઇક્રો ઝેરોક્ષ કરવા માટે ફાડેલા કાગળો, ધો. 10ની ગુજરાતીની ચોપડી મળી આવી હતી.
પરીક્ષા છુટ્યા બાદ ફાડેલા ટુકડા સાથે સરખાવતાં તે ગુજરાતીના પેપરના જ હોવાનું જણાતાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે મામલતદાર પટેલે પંચનામુ કરીને તમામ ચીજવસ્તુઓ સીલ કરવામાં આવી હતી. આ કૌભાંડ આચરતાં પૂર્વે સીસી ટીવી કેમેરા પણ બંધ કરી દેવામાં આવ્યા હતાં. ખળભળાટ મચાવતી આ ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદઃ દાહોદની એમ એન્ડ પી હાઇસ્કુલમાં બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે જ ધોરણ 10ના ગુજરાતીના પેપરમાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મેનેજમેન્ટ દ્વારા બંધ રૂમની ચાવી નહીં આપતાં અંતે મામલતદારે રૂમનું તાળુ તોડાવી નાંખ્યું હતું. રૂમની અંદરથી મળી આવેલા ગુજરાતીના સોલ્વ કરેલા ફાડેલા પેપરની ઝેરોક્ષ, ઝરોક્ષ મશીન, દસમા ધોરણની ચોપડી ઉપરથી આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ કેન્દ્ર સંચાલક સહિતના જવાબદારો સામે ગુનો દાખલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લા કલેક્ટર જે.રંજિથકુમારને પેપર ઝેરોક્ષ કરીને ચોરી કરાવાતી હોવાની ફરિયાદ મળી હતી. તેના આધારે મામલતદાર ડી.કે પટેલે છાપો મારીને શાળાના આચાર્ય અને કેન્દ્ર સંચાલક ડી.કે પટેલને સંચાલક મંડળ દ્વારા વાપરવામાં આવતાં શંકાસ્પદ રૂમનું તાળુ ખોલવા માટે જણાવ્યું હતું. એક કલાકની રાહ જોયા છતાં ચાવીઓ નહીં આવતાં સંચાલક નજમુદ્દીન ગાંગરડીવાલાને તાળુ તોડી દેવાની જાણ કરવામાં આવી હતી.