વલસાડઃ PM મોદીએ કહ્યુ-'રક્ષાબંધનના અવસર પર બહેનોને ઘર સૌથી મોટી ભેટ'
વલસાડ બાદ મોદી જૂનાગઢમાં વિકાસની પરિયોજનાઓનો પણ શુભારંભ કરશે. તેઓ હૉસ્પિટલ ગુજરાત મેડિકલ એંડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી તથા ગિર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં બે મત્સ્ય કોલેજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ગાંધીનગરમાં ગુજરાત ફોરેંસિક સાયંસ યુનિવર્સિટીમાં દિક્ષાંત સમારોહમાં હાજરી આપશે. મોદી જૂનાગઢની પાસે આવેલી પોલીસ ટ્રેનિગ કૉલેજ ગ્રાઉડમાં એક સભાને પણ સંબોધન કરશે.
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના એક દિવસના પ્રવાસ પર પહોંચ્યા છે. વડાપ્રધાન મોદી વલસાડના જૂજવા ગામ પહોંચ્યા હતા. અહીં વલસાડના જૂજવા ગામમાં વડાપ્રધાન મોદીએ આવાસ યોજનાના લાભાર્થીઓને સામુહિક ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. અહીં તેમણે લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બે દિવસ પછી રક્ષા બંધનનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે એક લાખથી વધુ બહેનોને ઘરની ભેટ આપી ભાઈ રૂપે સંતોષ અનુભવું છું. દિલ્હીમાંથી પાસ થતું બજેટ આજે લોકો સુધી પહોંચી રહ્યું છે. અમારી સરકાર આવ્યા બાદ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો છે. સરકારનું ધન અને પરિવારની મહેનતના કારણે ઘર બન્યા છે.
પીએમ મોદી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત વલસાડ જિલ્લાના જૂજવા ગામ ખાતે યોજાનારા કાર્યક્રમમાં 1,15,551 લાભાર્થીઓને ઇ-ગૃહ પ્રવેશ આપ્યો હતો. આવાસ યોજનામાં આશરે એક લાખથી વધારે મકાન તૈયાર કરવામાં આવ્યા છે. આ અગાઉ સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદીનું મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ભાજપના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.