વડોદરાઃ IT ઓફિસરે પત્નીની હત્યા કરી લાશ મકાનના ગાર્ડનમાં દાટી દીધી, જાણો કેવી રીતે ફૂટ્યો ભાંડો
અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધો અને દહેજને કારણે લોકેશકુમારે પત્નીની ઠંડે કલેજે હત્યા કરી હોવાની વિગતો પોલીસ તપાસમાં સપાટી પર આવી હતી. આઇટી ઓફિસર લોકેશકુમાર ચૌધરીએ પત્નીને મોતને ઘાટ ઉતારવા માટે તેના એક મિત્રની મદદ લીધી હતી. લોકેશકુમારની પત્ની મુનેશ જયપુર ખાતે સેકન્ડ ગ્રેડ ટિચરની પરીક્ષા આપવા માટે ગઈ હતી. આ તકનો લાભ ઉઠાવી તેણે પત્નીને પોતાના મિત્ર સાથે વડોદરા બોલાવી હતી.
પત્નીની હત્યા થઈ તે પૂર્વે પત્નીના માતા-પિતાએ પોતાની દીકરી મુનેશ ગુમ થઇ હોવાની ફરિયાદ જયપુર પોલીસમાં નોંધાવી હતી.
જે બાદ જયપુર પોલીસ આજે વડોદરા ખાતે આવી પહોંચી હતી અને આઇટી ઓફિસર લોકેશકુમારના વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ જયપુર પોલીસ એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ લઇને જયપુર રવાના થઇ હતી.
પોલીસે લોકેશકુમારના જણાવ્યા પ્રમાણે સીસીટીવી ફૂટેજના આધારે કેટલાક શકમંદોને ઝડપ્યા હતા. જોકે, તેમની કોઈ સંડોવણી ન હોવાથી છોડી મૂક્યા હતા. આ સમય દરમિયાન પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે, લોકેશકુમાર ચાર મોબાઈલ ફોન રાખે છે. આ મોબાઈલ ફોનની કોલ ડીટેઈલ પોલીસે સાવચેતી પૂર્વક મેળવી હતી અને જેના આધારે લોકેશકુમાર પર આ સમગ્ર હત્યાકાંડનો મુખ્ય ખલનાયક હોવાની વિગતો મળી હતી.
પત્ની વડોદરા આવે તે પહેલાં તેણે ઘર પાસે એક ખાડો ખોદી તૈયાર રાખ્યો હતો. પત્ની ઘરે આવી તે પછી તેણે ગળું દબાવી પત્નીની હત્યાકરી હતી અને લાશ અગાઉથી ખોદી રાખેલા ખાડામાં દફનાવી દીધી હતી. ઠંડે કલેજે પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ લોકેશકુમાર જયપુર દોડી ગયો હતો અને પોલીસ પર એવું દબાણ કર્યું હતું કે, મારી પત્નીને શોધી આપો.
વડોદરાઃ વડોદરામાં ઇન્કમટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં લોકેશકુમાર ચૌધરીએ તેની પત્ની મુનેશની 10 દિવસ પહેલા હત્યા કરી લાશ જમીનમાં દાટી દીધી હોવાનો જયપુર પોલીસ સમક્ષ એકરાર કર્યો હતો. જે બાદ જયપુર પોલીસ તપાસ માટે વડોદરા પહોંચી હતી અને વડોદરા સ્થિત ઘરમાંથી આઇટી ઓફિસરની પત્નીનો જમીનમાં દટાયેલો મૃતદેહ બુલડોઝરની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો.