‘વસુબેન એટલી હદે મને હરેસમેન્ટ કરે છે કે પાર્ટી ચલાવવી અઘરી થઇ’: જાણો આવું કોણે કહ્યું?
વાઈરલ થયેલી ઓડિયોમાં શહેર ભાજપ પ્રમુખ ‘વહીવટ’માં સંકળાયા હોવાની અને શહેર ભાજપ કાર્યાલય બનાવવામાં પણ ભ્રષ્ટ અધિકારીએ સહકાર આપ્યાના સંવાદો હોઇ ગુરુવારે કોંગ્રેસના કાર્યકરોએ ભાજપ કાર્યાલયે હલ્લાબોલ કર્યો હતો. કોંગ્રેસના આગેવાનોએ ભાજપ કાર્યાલય પર ‘ભ્રષ્ટાચારના પૈસે બનેલું ભાજપ કાર્યાલય નૈતિકતાના ધોરણ તાત્કાલિક ખાલી કરો’ લખેલું બોર્ડ ટાંકી દીધું હતું. પોલીસે 26 કાર્યકરોની અટકાયત કરી હતી.
હિંડોચા : ના ઉપરથી તો મને જ ફોન કરશે. તમે બાબુભાઇને ફોન કર્યો હતો એણે મને કર્યો’તો. મારાથી તમારું નામ લેવાતું નથી. અત્યારે રાહ જોઇને બેઠા છે. અત્યારે એને (વસુબેન) મારી જ બીક છે. પબ્લિકની વચ્ચે મને કેમ ડાઉન કરવો, ઘણું બધુ ચાલે છે. કોઇ હરીફ ઊભો ન થાય તેવી તેમની ટેન્ડેન્સી છે. કોઇ ટિકિટ ન માગવું જોઇએ. એટલી હદે હરેસમેન્ટ કરે છે કે પાર્ટી ચલાવવી અઘરી થઇ ગઇ છે. હું મગજને શાંત રાખીને બેઠો છું. 3 મહિના નીકળી જાય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. મને ડેમેજ કરવાની ખૂબ ટ્રાય કરે છે. સેદાણી : તો કોને કહું. હિંડોચા : આનંદીબેનને કહો,. સેદાણી : એમનો સોર્સ નથી, નીતિનભાઇ. હિંડોચા : હા એમને કહો, એ બહેનને(વસુબેન) કહી શકશે.
સેદાણી : આગળ આપણું કાંઇ ચાલે તેમ છે. હિંડોચા : કમિટી બનાવી પડેલી છે. સાહેબ (કમિશનર) ફાઇલ મોકલતા નથી. કોર્પોરેશનમાં 5 પદાધિકારીમાં દંડક દિવ્યેશને બાદ કરતા 4 એમના (વસુબેનના)છે. અાપણો હોલ્ટ નથી. સેદાણી : તો તમે ગાઇડ કરો. હિંડોચા : ધારાસભ્ય કે ચેરમેન એને કહેવાતું હોઇ તો તેને કહો. એ લોકો સામેથી વિષય કાઢે તેવું કરો. સેદાણી : ઉપરના લેવલે કોઇને કહું.
જામનગર: વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જામનગર શહેરના રાજકારણે ‘હિસાબ પતાવટનો’ રાહ લીધો હોય તેવા ખેલ પડી રહ્યા છે. બુધવારે ધારાસભ્ય વસુબેન ત્રિવેદીનો ઓડિયો વાઇરલ થયો હતો જેમાં શહેર ભાજપ પ્રમુખ તમામ ઓફિસોના ‘વહીવટ’માં ભાગીદાર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, તો હવે વધુ એક ઓડિયો વાઇરલ થયો છે જેમાં શહેર ભાજપ પ્રમુખ હિંડોચા ધારાસભ્ય ત્રિવેદી સામે બળાપા કાઢે છે અને ત્રિવેદીને કારણે પાર્ટી ચલાવવી પણ મુશ્કેલ બન્યાનો વસવસો વ્યક્ત કરે છે.
જામનગર શહેરમાં ગુરુવારથી રાજકારણમાં માહોલ ગરમાયો હતો. સાંજે વધુ એક ઓડિયો વાઇરલ થયો હતો જેમાં ડિસમિસ ટીપીઓ સેદાણી અને શહેર ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા વચ્ચેનો વાર્તાલાપ છે. વાર્તાલાપ દરમિયાન હિંડોચા એવું કહે છે કે, ‘મહાનગર પાલિકાના પાંચ પદાધિકારીઓમાં દિવ્યેશને બાદ કરતાં ચારેય પદાધિકારીઓ બહેનના માણસો છે, મારો કોઇ હોલ્ટ જ નથી. અત્યારે બહેન (વસુબેન) રાહ જોઇને બેઠા છે. અત્યારે એમને મારી બીક છે. પબ્લિકની વચ્ચે મને ડાઉન કરવાનો પ્રયાસ કરે છે. એટલી હદે મને હરેસમેન્ટ કરે છે કે પાર્ટી ચલાવવી અઘરી થઇ ગઇ છે’. શહેર ભાજપમાં ચાલતો જૂથવાદ સપાટી પર આવ્યો હતો અને આગામી દિવસોમાં તેના અસરકારક પ્રત્યાઘાતો આવશે તેવું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યું છે.