આ ગુજરાતીઓને એનાયત થયા પદ્મશ્રી એવોર્ડ, જાણો વિગત
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ ભવનમાં આજે પદ્મ એવોર્ડ સમારંભ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં રામનાથ કોવિંદે ગુજરાતના ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતા, કેન્સર સર્જન ડો. પંકજ શાહને પદ્મશ્રી એનાયત કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા.
આ તસવીર PMO ટ્વિટર હેન્ડલ પરથી લેવામાં આવી છે.
આજે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. ઝવેરીલાલ મહેતાના નામની જ્યારે એવોર્ડ માટે જાહેરાત થઈ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, મને ગુજરાતની જનતાએ તો ક્યારનોય એવોર્ડ આપી દીધો છે. કેન્દ્ર સરકારે મારા કામની કદર કરી એ બદલ તેનો ખૂબ ખૂબ આભારી છું. ઝવેરીલાલ મહેતા 1970થી ફોટો જર્નાલિસ્ટ તરીકે કામ કરે છે.
મૂળ ગુજરાતી અને મહારાષ્ટ્રમાં રહેતા એક્ટર મનોજ જોશીને પણ આજે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. ત્રણ હસ્તિઓને મરણોપરાંત પદ્મ સમ્માનથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. ગૃહમંત્રાલયને આ વર્ષે પદ્મ સમ્માન માટે 15,700થી વધુ નોમિનેશન મળ્યાં હતા.
જ્યારે ડો.પંકજ શાહને મેડિસિન ઓન્કોલોજી માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. પંકજ શાહે કારકિર્દીની શરૂઆત ફિઝિશિયન તરીકે કરી હતી અને જર્મનીમાં ઓન્કોલોજીની ટ્રેનિંગ લેવા ગયા હતા.