શરમજનક ઘટના: માતા શૌચક્રિયા માટે ગઈ ને બાળકી પર અજાણ્યા શખ્સે આચર્યું દુષ્કર્મ, જાણો વિગત
દ્વારકામાં ત્રણ વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની જે ઘટના બની છે, તે કદાચિત કેન્દ્ર સરકારે ફાંસીની સજા આપતા વટહુકમ આપતી બાદની ઘટના છે. જેમાં આરોપી સામે ફાંસીની સજાની જોગવાઇ છે. જે દ્વારકા પોલીસ માટે પણ નવો વિષય છે.
જામનગર: દ્વારકા તાલુકાના કુરુંગા નજીક આવેલા આરએસપીએલ કેમ્પની અંદર આવેલી મજૂર કોલોનીમાં સોમવારે બપોરે 3 વર્ષની બાળા પર દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી ગયો છે. આરોપી બનાવ સ્થળેથી નાસી છૂટ્યો હતો. દ્વારકા પોલીસ દ્વારા પોતાની નામોશી છુપાવવા સમગ્ર ઘટનાને દબાવી દેવામાં આવી હતી જોકે બાળાને જામનગર હોસ્પિટલ લઈ જવાતા સમગ્ર બનાવનો ઘટસ્ફોટ થયો હતો.
દ્વારકાના પોલીસ વડા રોહન આનંદ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બનાવ ખૂબ જ ગંભીર છે અને બાળકીની માતાએ અજાણ્યા શખ્સને ભાગતા જોયો હતો. જે બાબતે અમે ત્યાં હાજર પુરુષ મજૂરો તેમજ અન્યની તપાસ કરી રહ્યા છીએ અને બાળકીને સારવાર તેમજ એમએલસી માટે જામનગર મોકલવામાં આવી છે.
જામનગરમાં આવતા જ આ બનાવ બહાર આવ્યો હતો, જેના કારણે દ્વારકા તેમજ આજુબાજુના પંથકમાં લોકોમાં રોષ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. બાળકીને અત્યારે સારવાર આપવામાં આવી રહી છે જ્યાં તેની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.
આ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને કેમ્પમાં તે સમયે હાજર 17 જેટલા પુરુષોની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઈ હાથ લાગ્યું નહોતું. બાળકીની તબિયત વધુ લથડતા તાકીદે સારવાર માટે જામનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
મજૂર મહિલા તેની ત્રણ વર્ષની બાળાને મૂકીને વીસ મિનિટ માટે શૌચક્રિયા માટે જતાં તે સમય દરમિયાન કોઈ અજાણ્યા નરાધમે બાળકીને પીંખી નાખી હતી અને એક શખ્સને દોડતા માતા ભાળી ગઈ હતી. બાળકી રડતી હતી અને તે લોહીલુહાણ હાલતમાં પડી હતી. બાળકીને જોઈને માતા બૂમાબૂમ કરી હતી અને સિક્યુરિટીને બોલાવી હતી.