જો તમને પણ ઉનાળા કરતા શિયાળાની ઋતુમાં બહાર ફરવા જવું વધુ પસંદ છે, તો તમને જણાવીએ કેટલીક અદ્ભુત જગ્યાઓ વિશે, જેને તમે તમારી ટ્રાવેલ લિસ્ટમાં સામેલ કરી શકો છો. સાથે જ નવા વર્ષમાં મિત્રો કે પરિવાર સાથે ફરવા માટે આ જગ્યાઓ બેસ્ટ છે, અહીંનો નજારો જોઈને દિલ ખુશ થઈ જશે. ઉનાળામાં આ જગ્યાઓ સુંદર લાગે છે, પરંતુ શિયાળામાં તેનો નજારો તમને મંત્રમુગ્ધ કરી દેશે. તો ચાલો જણાવીએ એવા વિન્ટર ડેસ્ટિનેશન વિષે ,જેની 2023માં અચૂક મુલાકાત લઇ શકો છો.


ગુલમર્ગ 


શિયાળામાં ફરવાનાં સ્થળોની યાદીમાં જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ ટોચ પર છે. કાશ્મીરને ધરતીનું સ્વર્ગ માનવામાં આવે છે. જયારે તમે ગુલમર્ગ પહોચશો ત્યારે આ વાત પર ખરેખર વિશ્વાસ થઇ જશે. . બરફીલા પહાડ, ઠંડી હવા, આહલાદક વાતાવરણ, આ બધું ગુલમર્ગની સુંદરતામાં વધારો કરે છે. અહીંનું અપ્રવથ શિખર સ્કીઇંગ અને સ્નોબોર્ડિંગ જેવી સ્નો પ્રવૃત્તિઓ માટે જાણીતું છે. જો તમારે અહીં વધુ એડવેન્ચર જોઈતું હોય તો ટ્રેકિંગ પણ બેસ્ટ ઓપ્શન છે. અને હા, અહીંયા કેબલ રાઈડ પર ફરવાનું ભૂલતા નહીં, મિત્રો અને પરિવાર સાથેની આ રાઈડ કોઈ એડવેન્ચરથી ઓછી નહીં હોય.


ગંગટોક 


સિક્કીમની રાજઘાની અને દેશનું સૌથી સ્વચ્છ શહેર ગંગટોક એક અનોખું હિલ સ્ટેશન છે જેમાં દરેક માટે કંઈક છે. બૌદ્ધ તીર્થયાત્રીઓથી લઈને ટ્રેકર્સ સુધી, પ્રવાસીઓથી લઈને હનીમૂનર સુધી, દરેક પ્રકારના પ્રવાસીઓ અહીં કંઈક ને કંઈક શોધી શકે છે, સાથે જ નાથુલા પાસ બોર્ડર અને બાબા હરભજન સિંહની સમાધિ તમારી અંદરની દેશભક્તિને ફરી જીવિત કરી દેશે. દરેક જગ્યાએ હરિયાળી અને પ્રાણીસૃષ્ટિ, શાંત ઊંચાઈવાળા તળાવો, રંગબેરંગી મઠ અને હિમાલયના નજારા તમને અહીં 4 થી 5 દિવસથી વધુ રહેવા માટે મજબૂર કરી શકે છે. જો કે ગંગટોકમાં હિમવર્ષા વગર પણ તાપમાન 4 ડિગ્રી સુધી ઘટી જાય છે, તેથી શક્ય તેટલા ગરમ કપડાં સાથે રાખવા.


કચ્છનું રણ


કચ્છનું રણ એ તેના રંગબેરંગી સફેદ રેતીના રણ ઉત્સવ માટે વિશ્વભરમાં જાણીતું છે. કચ્છનાં રણમાં દર વર્ષે શિયાળાની મોસમ દરમિયાન નવેમ્બર અને ફેબ્રુઆરી વચ્ચેના સમયગાળા માટે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. આ તહેવાર સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્થાનિક ભોજન દ્વારા ગુજરાતના વંશીય આકર્ષણનું પ્રદર્શન કરે છે. પરંપરાગત ખોરાક, હસ્તકલા, રણની સફારી જેવી વસ્તુઓ આ સ્થાનને વધુ સુંદર બનાવે છે. કચ્છની સુંદરતા જોવા માટે તમે હોટ એર બલૂન રાઈડ પણ લઈ શકો છો. આ સ્થાન મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.


જેસલમેર


જેસલમેર રણ વિસ્તાર હોવાથી ઉનાળામાં અસહનીય ગરમીના લીધે ત્યારે ફરવા ત્યાં જવું યોગ્ય નથી, પરંતુ શિયાળામાં આ સ્થળની સુંદરતા જ અલગ છે, જેસલમેર, અથવા ગોલ્ડન સિટી એ થાર રણ પ્રદેશમાં સ્થિત છે, જ્યાં તમે ડેઝર્ટ કેમ્પિંગ, ઊંટ સવારી, ક્વોડ બાઇકિંગ, ડ્યુન બેશિંગ, પેરાસેલિંગ અને ઘણું બધું જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ શકો છો. જ્યારે ડેઝર્ટ ફેસ્ટિવલ, નર્સી મ્યુઝિક સ્કૂલ, કુલધારા ગામ અને સોનાર કિલ્લામાં, તમે જેસલમેરની સંસ્કૃતિને જાણી શકો છો. એક સરસ ગરમ સ્થળ હોવાને કારણે, આ સ્થળ શિયાળામાં મુલાકાત લેવા માટે યોગ્ય છે.


ધર્મશાળા


ધર્મશાલા, જેને ઘણીવાર ‘લિટલ લ્હાસા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં સ્થિત એક નાનું શહેર છે. ધૌલાધાર પર્વતમાળાથી ઘેરાયેલી, જાડી આલ્પાઇન વનસ્પતિ, સાંકડી ગલીઓ અને વસાહતી ઇમારતો તેને ભારતના શ્રેષ્ઠ હિલ સ્ટેશનોમાંનું એક બનાવે છે. તેની લોકપ્રિયતાનું બીજું કારણ તિબેટીયનોના વિશાળ સમુદાયની હાજરી છે, જેના કારણે લોકો અહીં સૌથી વધુ મુલાકાત લેવાનું પસંદ કરે છે. તેની હાજરીએ ધર્મશાળાના ભોજન, સંગીત અને વાતાવરણને ખૂબ પ્રભાવિત કર્યું છે. જો તમે ઉનાળામાં અહીં ગયા હોવ તો શિયાળામાં પણ એકવાર આ સ્થળની સુંદરતા જોવા અવશ્ય જવું જોઈએ.


જોધપુર


રાજસ્થાનના ‘બ્લુ સિટી’ જોધપુરની મુલાકાત લેવા માટે શિયાળો શ્રેષ્ઠ સમય છે. અહિંનું તાપમાન 7 – 27 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે બદલાય છે, તમે જોધપુરના પ્રખ્યાત સ્થળોને સરળતાથી શોધી શકો છો. તેમાં આલીશાન મહેરાનગઢ કિલ્લો, અદભૂત ઉમેદ ભવન પેલેસની મુલાકાત લઈ શકો તેવા શાંત સ્થળોનો સમાવેશ થાય છે.


ઔલી


ઔલી, ભારતની સ્કીઇંગ રાજધાની, ભારતમાં શિયાળામાં મુલાકાત લેવા માટે ચોક્કસપણે શ્રેષ્ઠ સ્થળો પૈકી એક છે. નંદા દેવી, નીલકંઠ અને માના પર્વતના અદભૂત શિખરો ઔલીમાં જોવા માટેના મુખ્ય આકર્ષણો છે. ઔલીમાં તમે આખા વર્ષ દરમિયાન લીલીછમ ખીણો જોઈ શકો છો, પરંતુ શિયાળામાં આ સ્થળનો નજારો અલગ હોય છે. તમે મિત્રો અથવા પરિવાર સાથે અહીં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ, ટ્રેકિંગ અને ચેર કાર રાઇડનો આનંદ માણી શકો છો.


દ્વારકા 


ગુજરાતના દ્વારકામાં, દ્વારકાધીશના મંદિર અને ત્યા આવેલ શિવરાજપુર બીચ ઘોંઘાટથી દૂર શાંત અને સુંદર છે. જો તમે આરામદાયક વેકેશન શોધી રહ્યા છો, તો તમારે અહીં જવું જોઈએ. આ . અહીં દરેક ગલીમાં મંદિરો છે. દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે. અમદાવાદથી દ્વારકાનું અંતર અંદાજે 439 કિમી છે.