Diet For Heart: જો આપ હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને હૃદયની બીમારીઓથી બચવા માંગતા હોવ તો આ ફળો અને શાકભાજીને ડાયટમાં ચોક્કસ સામેલ કરો. તેનાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.


હ્રદયરોગ, હાઈ બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવા રોગોમાં વધારો થવાનું મુખ્ય કારણ આપણી ખરાબ જીવનશૈલી અને આહારશૈલી  છે. ખાવા-પીવામાં બેદરકારીના ગંભીર પરિણામો આપણે પાછળથી ભોગવવા પડે છે. જો આપ વધારે પડતો  અસંતુલિત ખોરાક લો છો તો કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ થવા લાગી છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે ત્યારે અનેક પ્રકારના નુકસાન થવા લાગે છે. શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ જમા થાય છે, જેનાથી હાર્ટ પ્રોબ્લેમ વધે છે. તમે આહારમાં થોડો ફેરફાર કરીને આ સમસ્યાઓને દૂર કરી શકો છો. જાણો હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે કયા ફળ, શાકભાજી અને અનાજ ખાવા જોઈએ.


હૃદય રોગીઓ માટે ફળ
બેરી અને દ્રાક્ષ
 કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આપે  આહારમાં તમામ પ્રકારની બેરી જેવી કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી, રાસબેરી અને દ્રાક્ષનો સમાવેશ કરવો જોઈએ. તેમાં સારી માત્રામાં પેક્ટીન હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.


સફરજન અને સાઇટ્રસ ફળો
આ ફળોમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. તેમાં પેક્ટીન નામના ખાસ દ્રાવ્ય ફાઇબર હોય છે. આ ફળોને આપની  દિનચર્યામાં સામેલ કરો, તેનાથી કોલેસ્ટ્રોલ ઘટશે.


એવોકાડો
 તેને ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલ વધે છે. એવોકાડોમાં મોનોસેચ્યુરેટેડ ફેટ અને ફાઈબર હોય છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડે છે.


ક્યાં શાકભાજી લેશો
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે તમારે નિયમિતપણે લીલા શાકભાજી ખાવા જોઈએ. પાલક અને લીલાં શાકભાજી જેવાં લીલાં પાંદડાંવાળાં શાકભાજીમાં લ્યુટીન અને કેરોટીનોઈડ હોય છે, જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે.


રીંગણ
કોલેસ્ટ્રોલના દર્દીઓ માટે રીંગણ પણ ફાયદાકારક શાકભાજી છે. રીંગણ પાચન તંત્ર માટે પણ સારું છે. રીંગણ ખાવાથી શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.


ટામેટાં
ટામેટાં ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે, ટામેટાંનો રસ હાઈ બ્લડ પ્રેશર ઘટાડે છે. તેથી, ટામેટાં દરરોજ ખાવા જોઈએ.


હૃદયના દર્દીઓ માટે અનાજ
કઠોળ
 કઠોળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મસૂરની દાળમાં ઉચ્ચ પ્રોટીન અને ફાઈબર હોય છે. ભોજનમાં નિયમિતપણે કઠોળ ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ જમા થતું નથી, આ સિવાય કઠોળ વિટામિન બીનો સારો સ્ત્રોત પણ છે.


ઓટ્સ
 ઓટ્સ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ઓટ્સમાં બીટા-ગ્લુકેન નામનું ફાઈબર હોય છે જે ઝડપથી ઓગળી જાય છે. ઓટ્સ ખાવાથી કોલેસ્ટ્રોલ ઝડપથી ઓછું થવા લાગે છે.


જવ
 આખા અનાજમાં જવનો પણ તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ. જવમાં બીટા-ગ્લુકેન પણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.


Disclaimer: એબીપી અસ્મિતા ન્યૂઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો.