આજકાલ સૌથી સામાન્ય ટેવોમાંની એક છે ટોઈલેટમાં પણ સ્માર્ટફોનનો ઉપયોગ કરવો. સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય કે સમાચાર વાંચતા હોય, આપણામાંથી ઘણા લોકો આવું કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ ટેવ તમારા માટે મોટી સમસ્યા ઊભી કરી શકે છે? એનબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે ટોઈલેટમાં લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરવાથી પાઈલ્સ જેવી પીડાદાયક બીમારી થઈ શકે છે.

આવું કેમ થાય છે?

તે સમજવું ખૂબ જ સરળ છે. જ્યારે તમે ટોઇલેટ સીટ પર બેસો છો ત્યારે તમારા પેલ્વિક એરિયા (પેટના નીચેના ભાગ) ને કોઈ ટેકો મળતો નથી. આને કારણે તમારા મળાશયની નસો પર ખૂબ દબાણ આવે છે. લાંબા સમય સુધી આ સ્થિતિમાં બેસવાથી આ નસો ફૂલી જાય છે અને સોજો આવે છે, જેને પાઈલ્સ કહેવાય છે.

આ અભ્યાસના લેખક બોસ્ટનના બેથ ઇઝરાયલ ડેકોનેસ મેડિકલ સેન્ટરના ડૉ. તૃષા પાશ્વિચાએ કહ્યું હતું કે "તમે જેટલા લાંબા સમય સુધી ટોઈલેટમાં બેસો છો તે તમારા માટે ખરાબ છે." તેઓ વધુમાં કહે છે કે સ્માર્ટફોન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે લોકો તેમના પર વધુને વધુ સમય વિતાવે છે. 80ના દાયકામાં લોકો અખબાર લઈને બાથરૂમ જતા હતા પરંતુ તેઓ સરળતાથી અખબારને દૂર મૂકીને બહાર નીકળી જતા. ફોન સાથે આવું નથી, તે આપણને સંપૂર્ણપણે પોતાનામાં ડૂબાડી દે છે.

અભ્યાસમાં શું જાણવા મળ્યું?

-આ અભ્યાસમાં 125 પુખ્ત વયના લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

-આમાંથી 66 ટકા એટલે કે 83 લોકોએ સ્વીકાર્યું કે તેઓ બાથરૂમમાં ફોનનો ઉપયોગ કરે છે.

-જ્યારે ડોકટરોએ આ લોકોની તપાસ કરી ત્યારે તેમને જાણવા મળ્યું કે જે લોકો ટોઈલેટમાં ફોન લઈને ગયા હતા તેમને અન્ય લોકો કરતા 46 ટકા વધુ પાઈલ્સ થવાની શક્યતા હતી.

-સંશોધકોએ ફાઇબરયુક્ત ખોરાક, કસરત અને કબજિયાત જેવા અન્ય પરિબળોને પણ ધ્યાનમાં લીધા ત્યારે પણ આ જોખમ રહ્યું હતું

પાઈલ્સ ઉપરાંત, અન્ય જોખમો પણ છે

પાઈલ્સ એ જીવલેણ રોગ નથી, પરંતુ તે ઘણી અસ્વસ્થતા, ખંજવાળ અને દુખાવોનું કારણ બની શકે છે. ક્યારેક તેનાથી રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે

જોન હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ મેડિસિનના ડૉ. રિઝવાના ચૌધરીએ કહ્યું હતું કે લાંબા સમય સુધી આવું કરવાથી પેલ્વિક ફ્લોર સંબંધિત અન્ય સમસ્યાઓ, કબજિયાતમાં વધારો અને મળાશયમાં દુખાવો પણ થઈ શકે છે.

આ ઉપરાંત જ્યારે ટોયલેટ ફ્લશ કરવામાં આવે છે, ત્યારે પેશાબ અને મળના નાના કણો હવામાં ઉડે છે. આવી સ્થિતિમાં ફોનને બાથરૂમમાં લઈ જવો ખૂબ જ અનહાઈજીનિક છે

5 મિનિટનો નિયમ અપનાવો

બધા નિષ્ણાતો સહમત છે કે ટોઈલેટમાં 5 મિનિટથી વધુ સમય ન લેવો જોઈએ.

અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ફોનનો ઉપયોગ કરતા 37 ટકાથી વધુ લોકો 5 મિનિટથી વધુ સમય માટે ટોઈલેટમાં બેસે છે.

બીજી બાજુ જે લોકો ફોન સાથે રાખતા નથી તેમાંથી ફક્ત 7 ટકા લોકો આવું કરે છે.

ડોકટરો ફોનને બાથરૂમમાં લઈ જવાનું ટાળવાની સલાહ આપે છે. જો તમારે સાથે રાખવો જ પડે તો 5 મિનિટ માટે ટાઈમર સેટ કરો.