Adnan Sami Weight loss Diet Plan: બોલિવૂડ સિંગર અદનાન સામીએ પોતાના વેઈટ લોસ ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. જો કે તેનું ટ્રાન્સફોર્મેશન અગાઉ પણ સમાચારોમાં રહ્યું હતું. પરંતુ આ વર્ષે તેનું વજન ઘટાડવાના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા. અદનાનનું વજન 220 કિલો હતું. જેમાંથી તેણે 150 કિલો વજન ઘટાડ્યું છે. હવે દરેક વ્યક્તિ તેને કઈ રીતે આટલું બધુ વજન ઘટાડ્યું તે જાણવા માંગે છે.
અદનાન સામીએ આ રીતે ઘટાડ્યું વજન
અદનાનના કિસ્સામાં વજન ઘટાડવાની યાત્રાનું દરેક પગલું પડકારજનક હતું. સ્થૂળતાને કારણે તે શરૂઆતના દિવસોમાં વર્કઆઉટ કરી શકતો ન હતો. તેનું શરીર કસરતનો ભાર સહન કરી શકે એટલું મજબૂત નહોતું. જો તેણે ભારે વજન સાથે કસરત કરી હોત તો તેને હાર્ટ એટેક આવી શક્યો હોત. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે તેનું પહેલું પગલું હતું સ્પેશિયલ ડાયટ અને સ્ટ્રિક્ટ પ્લાન.
અદનાન સામીનો આહાર કેવો હતો
અદનાનને સફેદ ભાત, બ્રેડ અને તમામ જંક ફૂડ છોડી દેવા પડ્યા હતા. આ બધાને બદલે તેણે વધારે પડતું સલાડ ખાવા પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે ઉપરાંત તેણે તંદૂરી માછલી અને બાફેલી દાળ ખાવાનું શરૂ કર્યું અને આ બધી જ વાનગીઓમાં તેલનો ઉપયોગ ખૂબ જ નહિવત કર્યો. આ સિવાય માખણ વિના ઘરે બનાવેલા પોપકોર્નને પણ આહારમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ગળ્યું ખાવાની ઈચ્છા
વજન ઘટાડતી વખતે મોટાભાગના લોકો ગળ્યું ખાવાની લાલસાથી પરેશાન હોય છે. આવી સ્થિતિમાં અદનાન તેની ગળ્યું ખાવાની ઈચ્છા સંતોષવા માટે ડાયેટ ફજ સ્ટીક્સ, સુગર ફ્રી ડ્રિંક્સ અને ડાયેટ આઈસ લોલી ખાતા હતા. આ સાથે તેણે દારૂ પીવાનું પણ બંધ કરી દીધું હતું.
અદનાન સામીએ દિવસની શરૂઆત ચાના કપથી કરી
અદનાન પોતાના દિવસની શરૂઆત એક કપ ચાથી કરતો હતો. જેમાં ખાંડ બિલકુલ ન હતી.
બપોરના ભોજનમાં કચુંબર અને સલાડ તેમજ થોડી માછલીઓનો સમાવેશ થતો હતો.
રાત્રિભોજનમાં રોટલી કે ભાત ખાવાની મનાઈ હતી. તે માત્ર બાફેલી દાળ અથવા રોસ્ટ ચિકન જ ખાતો હતો.