Cotton Candy: બુઢીના બાલ, બુદ્ધીના બાલ અને સૌરાષ્ટ્રમાં સુતરફેણીના નામથી ઓળખાતી કોટન કેન્ડી જો તમે તમારા બાળકને ખવડાવતા હોય તો થઈ જજો સાવધાન. કારણ કે આ જ કોટન કેન્ડી તમારા બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.


પાંચ રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી મળતી કોટન કેન્ડી વેચતા અને ખાતા લોકો તમે જોયા હશે. પરંતુ ચેન્નાઈના મરિન બીચ પરથી કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ લેવામાં આવ્યા જે બાદ તેનું તમિલનાડુ સરકારી લેબમાં પરિક્ષણ કરવામાં આવ્યુ હતુ. આ પરિક્ષણમાં કોટન કેન્ડીમાં કાપડ અને ચામડાને રંગવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ રોડામાઈન બીની ભેળસેળ મળી હતી. રોડામાઈન બી માનવ શરીર માટે ખુબ જ હાનીકારક છે. એટલે રિપોર્ટ આવતાની સાથે જ તમિલનાડુ સરકારે કોટન કેન્ડીના વેચાણ પર પ્રતિબંધ મુકી દીધો છે.


કોટન કેન્ડી પર પ્રતિબંધની જાહેરાત કરતા તમિલનાડુના આરોગ્ય મંત્રી એમ સુબ્રમણ્યમે કહ્યું કે તેનો હેતુ કેન્ડી ઉત્પાદકો, વેચાણકર્તાઓ અને ગ્રાહકોમાં રંગીન કેન્ડીમાં હાજર હાનિકારક રસાયણો વિશે જાગૃતિ લાવવાનો છે.


આ સાથે તેમણે કહ્યું કે રંગબેરંગી કેન્ડી ભલે સ્વાદિષ્ટ લાગતી હોય, પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. તેમણે કહ્યું કે, એકવાર જાગૃતિ આવી જાય પછી, ખાદ્ય સુરક્ષા અધિકારીઓ એ સુનિશ્ચિત કરશે કે માત્ર કલર ફ્રી કોટન કેન્ડી જ વેચાય.


આ અગાઉ પુડુચેરીએ પણ કોટન કેન્ડી પર પ્રતિબંધ લાદી દીધો છે. કોટન કેન્ડી કેટલી ખતરનાક છે તેને લઈને એબીપી અસ્મિતાએ અમદાવાદના ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ ડૉ.કૌશલ વ્યાસ અને રાજકોટના ડૉ.પ્રફુલ કમાણીના અભિપ્રાયો જાણ્યા. ડૉ.કૌશલ વ્યાસનું સ્પષ્ટ કહેવું છેકે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ ખુબ જ ખરાબ હોય છે. લોખંડના કન્ટેનરમાં તૈયાર થતી કોટન કેન્ડીથી લોખંડના ઝેરી તત્વો સીધા જ કોટન કેન્ડીમાં લાગી જાય છે. સાથે જ આવી કોટન કેન્ડીમાં100 ટકા સુગર હોય છે. કોટન કેન્ડીમાં રંગ વાપરવામાં આવે છે. તેમાં તાજેતરમાંજ રોડામાઈન બી મળી આવ્યું છે. આ કેમિકલ ખુબ જ સસ્તુ હોવાથી ખાવાલાયક રંગ વાપરવાના બદલેવેપારીઓ આ પ્રકારનો રંગ વાપરતા હોય છે. જે કેમિકલ હૃદય, કિડની સહિતના અંગોને નુકસાન પહોંચાડી શકે છે.