કર્ણાટક સરકારે રાજ્યભરમાં તપાસવામાં આવેલા કેકના 235 નમૂનાઓમાંથી 12માં કેન્સરકારક તત્વો મળ્યા બાદ ચેતવણી જારી કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ વરિષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમે તપાસેલા કેટલાક કેક નમૂનાઓમાં હાનિકારક, કેન્સર ઉત્પન્ન કરતા તત્વોની હાજરી શોધી છે. તેમણે કહ્યું કે આ તત્વોનું 2006ના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ અને 2011ના સંબંધિત ખાદ્ય સુરક્ષા નિયમો હેઠળ કડક નિયમન કરવામાં આવે છે.


બેકરીના કેક આરોગ્ય માટે જોખમી


અહેવાલ અનુસાર, બેંગલુરુની બેકરીઓમાંથી લેવામાં આવેલા કેકની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જોખમી પદાર્થોની હાજરીની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ ફૂડ સેફ્ટી કમિશનર શ્રીનિવાસે રાજ્યભરની બેકરીઓને તેમના ઉત્પાદનોમાં અસુરક્ષિત રસાયણો અને એડિટિવ્સનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપી હતી. બેકરી કેક મોટેભાગે માર્જરીનથી બનાવવામાં આવે છે, જે સસ્તું છે પરંતુ આરોગ્ય માટે હાનિકારક છે. જો તેમાં વિવિધ પ્રકારના રંગો અને અન્ય સામગ્રી ઉમેરવામાં આવે, તો એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે આ કેક હાનિકારક હોય છે.


કેકમાં પ્રિઝર્વેટિવ્સ અને જોખમી કેમિકલ્સ હોય છે


હેલ્થ એક્સપર્ટ્સ અનુસાર, એમાં કોઈ આશ્ચર્યની વાત નથી કે બેકરીના કેક આરોગ્ય માટે સારા નથી. તેમાં ખૂબ મોટા પ્રમાણમાં કલરનો ઉપયોગ થાય છે. બેકરી કેકમાં પ્રિઝર્વેટિવ્સ અને જોખમી કેમિકલ્સનો ઉપયોગ થાય છે જે સમગ્ર શરીર માટે ખૂબ જ જોખમી છે. આશ્ચર્યજનક વાત એ છે કે બેકરી માલિકો આની આડઅસરો જાણવા છતાં તેને વેચી રહ્યા છે.


ઘણા લોકો ગુણવત્તા કરતાં કિંમતને પ્રાથમિકતા આપે છે. તેઓ ઘરે મોંઘી અને આરોગ્યપ્રદ સામગ્રીથી કેક બનાવવાને બદલે સસ્તી બેકરી કેક ખરીદવાનું વધુ પસંદ કરે છે. દિલ્હી સ્થિત સ્વર્લ્સ કેકરીના માલિક કૃતિ જિંદલને કેકમાં કેન્સર ઉત્પન્ન કરતા રસાયણોની શોધ ચિંતાજનક લાગે છે. તેઓ લાલ રંગ માટે બીટરૂટનો રસ, જાંબલી રંગ માટે બ્લુબેરી, પીળા રંગ માટે હળદર અને સિન્થેટિક રંગોને બદલે પેપ્રિકા જેવા સુરક્ષિત વિકલ્પો પસંદ કરવાની સલાહ આપે છે.


આ કારણોથી બેકરી કેકમાં કેન્સરનું જોખમ વધે છે


કેકમાં વપરાતા વિવિધ રંગો, જેમ કે એલ્યુરા રેડ, સનસેટ યલો FCF, પોન્સો 4R (સ્ટ્રોબેરી રેડ), ટાર્ટ્રાઝિન (લેમન યલો) અને કાર્મોઇસિન (મરૂન), સુરક્ષિત સ્તરથી વધુ વપરાય ત્યારે માત્ર કેન્સરનું જોખમ જ નહીં, પરંતુ માનસિક અને શારીરિક આરોગ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે.


Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.


આ પણ વાંચોઃ


અજમા ખાવાથી યુરિક એસિડ વધે કે ઘટે?