Corona Situation in Beijing(બેઇજિંગ):


ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. આ અઠવાડિયે એક દિવસમાં દર્દીઓની સંખ્યા વધીને 3 કરોડ 70 લાખ થઈ ગઈ છે. ચીનના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ આંકડો વિશ્વના કોઈપણ દેશમાં એક દિવસમાં જોવા મળતા દર્દીઓની સંખ્યા કરતા ઘણી જ વધુ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનની બેઠકમાંથી બહાર આવેલા આંકડાઓ અનુસાર, ડિસેમ્બરના પ્રથમ 20 દિવસમાં દેશમાં 24.8 કરોડ લોકો એટલે કે ત્યાની 18% વસ્તી વાયરસના સંપર્કમાં આવી છે. જો આ આંકડો સાચો છે, તો આ આંકડો જાન્યુઆરી 2022ના આંકડાથી ઘણો વધુ છે. 2022 જાન્યુઆરીમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ 40 લાખ હતી.


ચીનમાં ઓમિક્રોન વાયરસના ફેલાવાનું મુખ્ય કારણ દેશમાં કોવિડ પરના નિયંત્રણોનો અભાવ છે. જેના કારણે જ ત્યાની વસ્તીમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, એવા લોકોમાં આ સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે. એક માહિતી અનુસાર, ચીનના દક્ષિણ-પૂર્વમાં સિચુઆન અને ચીનની રાજધાની બેઇજિંગમાં અડધો અડધ વસ્તી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગઈ છે.


ટેવ મુજબ દૈનિક દર્દીઓની સંખ્યા છુપાવી રહી છે, ચીનની સરકાર 


જોકે, આ આંકડાઓ ચીનમાંથી કેવી રીતે આવ્યો તે કહેવું મુશ્કેલ છે. કારણ કે, તેણે આ મહિનાની શરૂઆતમાં તેના પીસીઆર ટેસ્ટિંગ બૂથ બંધ કરી દીધા હતા. આવા સંજોગોમાં,  વધતા જતા રોગચાળાની વચ્ચે ચેપનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. ચીનના નાગરિકો સંક્રમણની તપાસ માટે રેપિડ-એન્ટિજેન-ટેસ્ટ કરાવી તો રહ્યા છે, પંરતુ ચીનની સરકારે કોરોનાના એસિમ્પ્ટોમેટિક દર્દીઓની દૈનિક સંખ્યા પ્રકાશિત કરવાનું પણ બંધ કરી દીધું છે.


મૃતકોની સંખ્યા અંગે નથી થઈ કોઈ ચર્ચા 


ચીની અધિકારીઓનું કહેવું છે કે ચીનમાં ડિસેમ્બર અને જાન્યુઆરીના અંતમાં ચીનમાં કોરોનાના કેસમાં પીક આવશે. કોવિડ-19ના નિયંત્રણોના અભાવને કારણે લોકો સતત સંક્રમિત થઈ રહ્યા છે. શેનઝેન, શાંઘાઈ અને ચોંગકિંગમાં પણ કેસ સતત વધી રહ્યા છે. જોકે, સરકારી બેઠકમાં મૃતકોની સંખ્યા અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. અધિકારીઓએ માત્ર એટલું જ કહ્યું કે કોરોનાથી વધુ મૃત્યુ થયા નથી.