Indian thali diabetes risk: આપણા ભારતીય ઘરોમાં દાળ, રોટલી, શાક અને ભાત વગરનું ભોજન અધૂરું મનાય છે. વર્ષોથી ચાલી આવતી આ ખાણીપીણીની પરંપરા હવે ડૉક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ્સના મતે ચિંતાનો વિષય બની છે. ભારત પહેલેથી જ ડાયાબિટીસના દર્દીઓથી ભરેલો દેશ છે, ત્યારે એક જ થાળીમાં વધુ પડતા કાર્બોહાઈડ્રેટ્સ (જેમ કે રોટલી અને ભાત એકસાથે) ખાવાની આદત બ્લડ સુગર અને સ્થૂળતા વધારી શકે છે. જોકે, નિષ્ણાતો એવું બિલકુલ નથી કહેતા કે તમારે રોટલી કે ભાત ખાવાનું બંધ કરી દેવું જોઈએ, પરંતુ સાચી જરૂરિયાત એ છે કે તમારી થાળીમાં પ્રોટીન અને ફાઇબરનું યોગ્ય સંતુલન જાળવવામાં આવે.

Continues below advertisement

આખરે દાળ-રોટલી અને ભાતમાં સમસ્યા શું છે?

જયપુરની સીકે બિરલા હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન દિવ્યા જૈન સમજાવે છે કે, અસલી સમસ્યા દાળ, રોટલી કે ભાત ખાવાની નથી, પરંતુ તમે તેને કેટલી માત્રામાં અને કેવી રીતે ખાઓ છો તેની છે. ભારત ડાયાબિટીસનું હબ બની રહ્યું છે, તેથી ડૉક્ટર્સ હવે આપણી ખાવાની રોજિંદી આદતો પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.

Continues below advertisement

કોના માટે નુકસાનકારક બની શકે છે આપણી થાળી?

સામાન્ય ભારતીય થાળીમાં મોટાભાગે ભાત, રોટલી, બટાકાનું શાક, દાળ અને મીઠાઈ હોય છે. આ બધી જ વસ્તુઓ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર હોય છે. જ્યારે તમે એક જ ભોજનમાં આટલા બધા કાર્બોહાઈડ્રેટ્સ લો છો, ત્યારે શરીર પર 'ગ્લુકોઝનો લોડ' અચાનક વધી જાય છે.જે લોકોને પહેલાથી જ પ્રિ-ડાયાબિટીસ, ડાયાબિટીસ, સ્થૂળતા (વધારે વજન), હાઈ બ્લડ પ્રેશર અથવા ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સની સમસ્યા છે, તેમના માટે આ પ્રકારની થાળી જોખમી સાબિત થઈ શકે છે.

આપણે જમવામાં ક્યાં ભૂલ કરી રહ્યા છીએ?

આજે સૌથી મોટી ભૂલ એ થઈ રહી છે કે આપણી થાળી કાર્બોહાઈડ્રેટ્સથી છલોછલ ભરેલી હોય છે, પરંતુ તેમાં પ્રોટીન અને ફાઈબર નામમાત્રના હોય છે.

લોકો 2 કે 3 રોટલીની સાથે ભાતનો મોટો વાટકો ખાઈ લે છે.

તેની સામે પનીર, દહીં, ઈંડા, માછલી, ચિકન કે દાળ જેવા પ્રોટીનયુક્ત ખોરાક બહુ ઓછા પ્રમાણમાં લેવાય છે.

શાકભાજી (ફાઈબર) નો ઉપયોગ માત્ર સ્વાદ પૂરતો 'સાઈડ ડિશ' તરીકે જ થાય છે.

આ પણ વાંચોઃ લીવરને કુદરતી રીતે ડિટોક્સ કરવા રોજ સવારે કરો આ 1 કામ

બદલાયેલી લાઈફસ્ટાઈલ પણ છે જવાબદાર

પહેલાના જમાનામાં લોકો ખૂબ શારીરિક મહેનત કરતા, એટલે ખાધેલું પચી જતું અને એનર્જી વપરાઈ જતી. આજે મોટાભાગના લોકો 8-10 કલાક ખુરશી પર બેસીને કામ કરે છે. ફિઝિકલ એક્ટિવિટી ઘટી ગઈ છે અને પ્રોસેસ્ડ ફૂડ વધી ગયું છે. આવામાં વધારે પડતા કાર્બ્સ પચવા મુશ્કેલ બને છે.

તમારી હેલ્ધી પ્લેટ (થાળી) કેવી હોવી જોઈએ?

નિષ્ણાતોના મતે રોટલી-ભાત છોડવાની જરૂર નથી, બસ પ્લેટને આ રીતે બેલેન્સ કરો:

50% ભાગ: તમારી પ્લેટનો અડધો ભાગ માત્ર લીલા શાકભાજી અને સલાડ (ફાઈબર) થી ભરેલો હોવો જોઈએ.

25% ભાગ: પ્લેટના ચોથા ભાગમાં પ્રોટીન હોવું જોઈએ (જેમ કે જાડી દાળ, પનીર, દહીં, ઈંડા, ચિકન કે માછલી).

25% ભાગ: બાકીના ચોથા ભાગમાં જ કાર્બોહાઈડ્રેટ્સ (એટલે કે રોટલી અથવા ભાત) હોવા જોઈએ. નિયમિત રૂપે એકસાથે વધારે પડતી રોટલી અને ભાત ખાવાનું ટાળો.

નિષ્ણાતની સલાહ: ડાયાબિટીસ કોઈ એક વસ્તુ ખાવાથી નથી થતો, પરંતુ લાંબા સમય સુધી અસંતુલિત ખોરાક ખાવાથી થાય છે. માટે ભોજનનો ત્યાગ કરવા કરતાં તેનું 'સંતુલન' કરતા શીખો.

(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય સંશોધન અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને કોઈ તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. ડાયેટમાં કોઈપણ મોટો ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટર કે ડાયેટિશિયનની સલાહ ચોક્કસ લેવી.)

આ પણ વાંચોઃ સવારનો નાસ્તો ન કરવાથી થશે આ મોટું નુકસાન