ebola virus outbreak 2026: આફ્રિકાના દેશોમાં ફરી એકવાર જીવલેણ ઇબોલા વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેને લઈને વિશ્વભરની આરોગ્ય એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને કોંગો અને યુગાન્ડામાં નોંધાયેલા નવા કેસોએ નિષ્ણાતોની ઊંઘ હરામ કરી દીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને લંડનની ઈમ્પિરિયલ કોલેજના રિપોર્ટ મુજબ, કોંગોમાં ઇબોલાના વાસ્તવિક કેસ સત્તાવાર આંકડાઓ કરતા ઘણા વધુ હોઈ શકે છે. આજના આ અહેવાલમાં આપણે જાણીશું કે આ ખતરનાક વાયરસ કઈ રીતે ફેલાય છે, તેના શરૂઆતના લક્ષણો કયા છે અને તેનાથી બચવા માટે આપણે કઈ સાવચેતી રાખવી જરૂરી છે.
મે મહિનાના મધ્ય સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ઇબોલાના 400 થી 800 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. જોકે, કેટલાક નિષ્ણાતોને ડર છે કે આ આંકડો 1,000 ને પણ પાર કરી ગયો હશે. સૌથી ખરાબ હાલત કોંગોના ઇટુરી પ્રાંતની છે, જ્યાં એપ્રિલના અંતથી આ ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આ વાયરસ કઈ રીતે ફેલાય છે?
સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) ના જણાવ્યા મુજબ, ઇબોલા એક અત્યંત ખતરનાક વાયરલ બીમારી છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિના લોહી, પરસેવો, ઉલટી, લાળ કે શરીરના અન્ય પ્રવાહીના સીધા સંપર્કમાં આવવાથી ફેલાય છે.
રાહતની વાત એ છે કે આ વાયરસ હવા કે પાણી દ્વારા નથી ફેલાતો, પરંતુ બીમાર વ્યક્તિની ખૂબ નજીક રહેવાથી જોખમ વધી જાય છે. ખાસ કરીને દર્દીની સારવાર કરતા ડોક્ટરો, નર્સો અને તેમની સંભાળ રાખતા પરિવારજનોને આ ચેપ લાગવાનો ખતરો સૌથી વધુ હોય છે.
ઇબોલાના શરૂઆતના લક્ષણો કયા છે?
ઇબોલાના શરૂઆતના લક્ષણો સામાન્ય વાયરલ તાવ જેવા જ હોય છે, એટલે શરૂઆતમાં જ તેને ઓળખવો થોડો મુશ્કેલ બને છે.
ચેપ લાગ્યા બાદ દર્દીને સખત તાવ, માથાનો દુખાવો, શરીરમાં કળતર, નબળાઈ અને ગળામાં દુખાવો થઈ શકે છે.
રોગ વધવાની સાથે ઉલટી, ઝાડા, ત્વચા પર લાલ ચાંઠા પડવા અને અમુક કિસ્સાઓમાં શરીરની અંદર કે બહારથી લોહી પણ નીકળવા લાગે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે વાયરસના સંપર્કમાં આવ્યા પછી લક્ષણો દેખાવામાં 2 થી 21 દિવસનો સમય લાગી શકે છે. જોકે, સરેરાશ 8 થી 10 દિવસમાં દર્દીમાં બીમારીના ચિહ્નો દેખાવા લાગે છે.
સારી વાત એ છે કે જ્યાં સુધી કોઈ વ્યક્તિમાં લક્ષણો ન દેખાય, ત્યાં સુધી તે વાયરસ બીજામાં ફેલાવતો નથી.
આ પણ વાંચોઃ Health Tips: હાર્ટ એટેકથી બચવા ઓફિસમાં દર 58 મિનિટે કરો આ 2 મિનિટનું કામ
આ જીવલેણ વાયરસથી બચાવ કેવી રીતે કરવો?
એપોલો હોસ્પિટલના નિષ્ણાતોના મતે, ઇબોલા સામે લડવા માટે 'સાવચેતી' એ જ તમારું સૌથી મોટું હથિયાર છે:
ચેપગ્રસ્ત દર્દીઓથી સુરક્ષિત અંતર જાળવો.
વારંવાર સાબુથી હાથ ધોવાની આદત પાડો.
કોઈપણ બીમાર વ્યક્તિના લોહી કે શરીરના અન્ય પ્રવાહીને અડવાનું ટાળો.
જો કોઈ વ્યક્તિ તાજેતરમાં ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી પાછી ફરી હોય અને તેને સખત તાવ કે નબળાઈ લાગે, તો તેણે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
સ્વાસ્થ્ય એજન્સીઓ માને છે કે ઇબોલાને રોકવા માટે રસીકરણ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ સૌથી અસરકારક સાધનો છે.
દર્દીઓની સારવાર કરતા હેલ્થકેર વર્કર્સ માટે PPE કિટ, માસ્ક અને ગ્લોવ્સનો ઉપયોગ અત્યંત આવશ્યક છે.
Disclaimer: આ માહિતી વિવિધ સંશોધનો અને નિષ્ણાતોના મંતવ્યો પર આધારિત છે. આને તબીબી સલાહનો વિકલ્પ ન સમજવો. કોઈપણ બીમારીના લક્ષણો જણાય તો જાતે ઈલાજ કરવાને બદલે હંમેશા તમારા ડૉક્ટર કે સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.
આ પણ વાંચોઃ શિયાળામાં કોલેસ્ટ્રોલ વધી ગયું છે? હાર્ટ એટેકથી બચવા આ 6 વસ્તુઓ ખાઓ
