Fact Check: દેશમાં કોરોનાની ત્રીજી લહેર ફરી વળી છે. સરકાર માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તથા વારંવાર હાથ ધોવાનું કહી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કમાં જ વાયરસ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.


શું છે વાયરલ વીડિયોમાં


વાયરલ થયેલા વીડિયોમાં ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કને બીમારીનું ઘર કહેવામાં આવી રહ્યું છે. ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ પોલીસની હાજરીમાં ડિસ્પોઝેબલ સર્જિકલ ફેસ માસ્ક સળગાવી રહ્યો છે. વ્યક્તિનું કહેવું છે કે ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કમાં કાળા રંગના માઇક્રોસ્કોપિક વોર્મ્સ છે. તે વીડિયો ઝૂમ કરે છે અને માસ્કમાં કાળા રંગની કોઇ વસ્તુ દેખાય છે. જેને 'વોર્મ્સ' તરીકે વર્ણવવામાં આવ્યું છે. વીડિયોમાં આ વ્યક્તિ કહે છે કે આ જંતુઓ ગરમીને કારણે બહાર આવે છે, જ્યારે આપણે માસ્ક પહેરીએ છીએ ત્યારે આ જંતુઓ આપણા શ્વાસની ગરમ હવામાંથી દેખાય છે. શ્વાસ લેવાની સાથે આ જંતુઓ પણ આપણી અંદર જાય છે. તમને જણાવી દઈએ કે, ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કનો એક જ વખત ઉપયોગ કરી શકાય છે, તેને ધોઈને ફરીથી ઉપયોગમાં લઈ શકાતા નથી.


જાણો શું છે સચ્ચાઈ


ફેક્ટ ચેક એજન્સી (PIBFactCheck) એ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોની સત્યતાનો પર્દાફાશ કર્યો છે. PIB ફેક્ટ ચેક ટીમે લખ્યું છે કે - ખોટા દાવા સાથે વીડિયો બનાવવામાં આવી રહ્યો છે કે ડિસ્પોઝેબલ સર્જિકલ માસ્કમાં જંતુઓ હોય છે, #PIBFactCheck વૈજ્ઞાનિક માપદંડો અનુસાર તૈયાર કરવામાં આવેલા કોઈપણ માસ્કમાં જીવાણુઓ હોતા નથી, કોરોના સામે રક્ષણ આપવા માટે કોઈપણ માસ્ક જે યોગ્ય રીતે નાક અને મોંને આવરી લે છે તેનો ઉપયોગ કરી શકાય છે.




નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.