ઉનાળામાં લોકો તડકાને બિલકુલ પસંદ નથી કરતાં પરંતુ એ જ તડકો લોકોને શિયાળામાં ખૂબ જ ગમવા લાગે છે. પોતાનું કામ છોડીને લોકો શિયાળામાં 10 થી 15 મિનિટ તડકામાં બેસવા માંગે છે. સૂર્યપ્રકાશ શરીરને જે ગરમી આપે છે.  તે ગરમી અન્ય કોઈ વસ્તુમાંથી મળતી નથી. પર્વતીય વિસ્તારોમાં રહેતા લોકો માટે શિયાળામાં સૂર્યપ્રકાશના પ્રથમ કિરણનું મહત્વ સૌથી વધુ હોય છે.  શિયાળામાં સૂર્ય આવતાની સાથે જ લોકોમાં હરખ નથી સમાતો. શિયાળામાં સૂર્યસ્નાન કરવાથી આપણને ઠંડીથી તો રાહત મળે જ છે. પરંતુ તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે.


ગૃહિણીઓ સવારનું કામ પતાવીને તડકામાં બેસે છે. બીજી તરફ ઓફિસમાં બેઠેલા લોકો જમવાના સમયે કે સાંજે કામ પતાવીને 10 થી 15 મિનિટ તડકામાં વિતાવે છે. દરેક વ્યક્તિ પોતાના સમય અનુસાર તડકામાં બેસવાનું પસંદ કરતાં હોય છે પરંતુ શું તમે જાણો છો કે તડકો લેવાનો શ્રેષ્ઠ સમય કયો છે અને વ્યક્તિએ કેટલા સમય સુધી તડકામાં બેસવું જોઈએ. કદાચ બહુ ઓછા લોકો હશે જેમની પાસે આ માહિતી હશે. ત્યારે આવો જાણીએ આ વિશે..


સૂર્યપ્રકાશ કયા સમયે લેવો જોઈએ


જો તમારે સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મેળવવું હોય તો સવારે 8 વાગ્યા પહેલા અથવા જ્યારે પણ તમારી આસપાસ સૂર્યપ્રકાશ હોય ત્યારે 20 થી 30 મિનિટ સુધી તડકામાં બેસી જાઓ. આગામી 30 મિનિટ સૂર્યપ્રકાશમાં તમને સારું વિટામિન ડી મળશે. બીજી તરફ જો તમે સાંજે તડકામાં બેસવાનું વિચારી રહ્યા હોવ તો સૂર્યાસ્ત થવાના અડધા કલાક પહેલા પણ તડકામાં બેસીને તમે સારું વિટામિન ડી મેળવી શકો છો. એકંદરે તમને સૂર્યોદયના અડધા કલાક પછી અને સૂર્યાસ્ત થવાના અડધા કલાક પહેલા સુધી વિટામિન ડીની સારી માત્રા મળશે અને આ સમય સૂર્યસ્નાન માટે શ્રેષ્ઠ છે.


નવજાત બાળકોને કેટલો સમય સૂર્યપ્રકાશ આપવો જોઈએ


જો તમારા ઘરમાં નવજાત બાળકનો જન્મ થયો હોય તો શિયાળાની ઋતુમાં તેને માત્ર 20 થી 25 મિનિટનો સૂર્યપ્રકાશ આપવો જોઈએ. સૂર્યોદય થતાંની સાથે જ અને સૂર્યાસ્ત થવાના અડધા કલાક પહેલા બાળકને તડકામાં લઈ જવાનો પ્રયાસ કરો કારણ કે આ સમય તેના સ્વાસ્થ્ય અને હાડકાંને મજબૂત કરવા માટે શ્રેષ્ઠ છે. બાળકોને લાંબા સમય સુધી તડકામાં રાખવું તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી કારણ કે તેમની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે અને બેદરકારી તેમના શરીર પર ખોટી અસર કરી શકે છે.


સૂર્યમાંથી મળે છે વિટામિન ડી


સામાન્ય રીતે એવું કહેવાય છે કે તડકામાં બેસીને શરીરના 20% ભાગ એટલે કે ખુલ્લા હાથ-પગ સાથે દરરોજ 15 થી 20 મિનિટ સુધી સૂર્યપ્રકાશ લેવાથી શરીરને વિટામિન ડી સારી માત્રામાં મળે છે.


વિટામિન ડીના અન્ય સ્ત્રોત


સૂર્યપ્રકાશ ઉપરાંત, તમારે તમારા આહારમાં વિટામિન ડી માટેના ખોરાક જેવા કે સોયાબીન, પાલક, કોબી, સફેદ બીનની શીંગો, ભીંડા, નારંગી, ઈંડા, માછલી અને દૂધની બનાવટોનો સમાવેશ કરવો જોઈએ.