Diabetes risk  : ડાયાબિટીસ વૈશ્વિક સ્તર પર સતત વધતી ગંભીર આરોગ્ય સમસ્યા છે, જેમાં તમામ ઉંમરના લોકોમાં જોખમ વધી રહ્યું છે. આનુવંશિકતા સાથે લાઈફસ્ટાઈલ અને આહારના કારણે ડાયાબિટીસનું જોખમ વધારે છે. સ્વાસ્થ્ય નિષ્ણાતો કહે છે કે ડાયાબિટીસ માટે ઘણા જોખમી પરિબળો હોઈ શકે છે, તણાવની સમસ્યા પણ તેમાંથી એક છે. એટલે કે જો તમે વધુ સ્ટ્રેસ લો છો તો તેના કારણે પણ ડાયાબિટીસ થવાનો ખતરો વધી શકે છે.


આજકાલ  સ્ટ્રેસ આપણી  જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. જો કે તણાવને ડાયાબિટીસનું કારણ સીધું માનવામાં આવતું નથી, પરંતુ તે ચોક્કસપણે આવી ઘણી પરિસ્થિતિઓનું કારણ બની શકે છે, જેના કારણે ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. સાવચેત રહો જો તમે વધુ પડતો સ્ટ્રેસ લો છો, તો તેનાથી આ ગંભીર ક્રોનિક રોગ થવાનું જોખમ વધી શકે છે.


સંશોધકોએ શોધી કાઢ્યું કે ડાયાબિટીસ અને સ્ટ્રેસનો સહસંબંધ હોઈ શકે છે, તેથી જો તમે ઘણા તણાવમાં હોવ તો તે તમારા ડાયાબિટીસને  કંટ્રોલ કરવાનું મુશ્કેલ બનાવી શકે છે. સ્ટ્રેસની સ્થિતિમાં કોર્ટિસોલ નામનું હોર્મોન રિલિઝ થાય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આ ઉપરાંત, સ્ટ્રેસની સ્થિતિમાં રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી જાય છે. જેના કારણે ડાયાબિટીસની  જટિલતાઓ વિકસિત થવાનું જોખમ પણ વધી શકે છે.


સંશોધકોએ શોધી કાઢ્યું કે સ્ટ્રેસ લોકોને ઘણી રીતે અસર કરી શકે છે. જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકો માનસિક સ્ટ્રેસમાં હોય છે, ત્યારે તેઓ સામાન્ય રીતે તેમના બ્લડ સુગરના સ્તરમાં વધારો અનુભવે છે. વર્ષ 2010ના અભ્યાસની સમીક્ષામાં સૂચવવામાં આવ્યું છે કે જે લોકો ડિપ્રેશન, ચિંતા, સ્ટ્રેસ જેવી સમસ્યાઓથી પીડાતા હોય છે અને તેની સમયસર સારવાર કરવામાં આવતી નથી, તેમને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે.


નેધરલેન્ડની યુનિવર્સિટી ઓફ એમ્સ્ટરડેમના સંશોધકોએ એ સમજવા માટે તપાસ કરી કે વિવિધ પ્રકારના તણાવથી ડાયાબિટીસ કેવી રીતે થઈ શકે છે. તેમાં જીવનશૈલીના પરિબળો, હોર્મોન સ્તરો પરની અસરો અને રોગપ્રતિકારક શક્તિ પરની અસરોનો પણ સમાવેશ થાય છે.  સ્ટ્રેસનું ઊંચું સ્તર અસ્વસ્થ જીવનશૈલીની આદતો તરફ દોરી શકે છે અને બિનઆરોગ્યપ્રદ જીવનશૈલીની આદતો ડાયાબિટીસ માટેના મુખ્ય જોખમી પરિબળોમાંનું એક હોવાનું જાણવા મળ્યું છે.