Potato Paneer Shots Recipe: બાળકોને નાસ્તામાં ઘણીવાર ક્રિસ્પી અને સ્વાદિષ્ટ વાનગીઓ ગમે છે. આ જ કારણ છે કે બાળકો બજારમાં ફ્રેન્ચ ફ્રાઈસ અને પોટેટો નગેટ્સ તરફ ઝડપથી દોડે છે. પરંતુ જો તમે તમારા બાળકને બહારની આ વસ્તુઓથી બચાવવા માંગતા હોવ તો તમે ઘરે જ નાસ્તા તરીકે પોટેટો પનીર શોટ્સ બનાવી શકો છો. સ્વાદિષ્ટ પોટેટો પનીર શોટ બનાવવા ખૂબ જ સરળ છે અને બાળકોને પણ તે ખૂબ પસંદ આવે છે. તમે તેને સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો. તો ચાલો જાણીએ તેને બનાવવાની રેસિપી


પોટેટો પનીર શોટ્સ બનાવવા માટેની સામગ્રી



  • બાફેલા બટાકા - 2

  • પનીર ક્યુબ 1 કપ

  • આદુ-લીલા મરચાં લસણની પેસ્ટ - 1/2 કપ

  • અજમો- 1/2 ચમચી

  • લાલ મરચું પાવડર 1/2 ચમચી

  • ઝીણી સમારેલી કોથમીર - 2 થી 3 ચમચી

  • ચણાનો લોટ - 1 કપ

  • તળવાનું તેલ - 1 કપ

  • સ્વાદ માટે મીઠું


બટેટા પનીર શોટ્સ બનાવવા માટેની રીત


પોટેટો પનીર શોટ્સ બનાવવા માટે સૌ પ્રથમ બટાકાને બાફીને મેશ કરો આ પછી લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરો. આ પછી પનીરને નાના-નાના ટુકડા કરી લો અને કોથમીરને બારીક સમારી લો. આ પછી એક મોટા બાઉલમાં ચણાનો લોટ ઉમેરો અને તેમાં લાલ મરચું અને મીઠું નાખીને મિક્સ કરો હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરો અને ચણાના લોટનું ઘટ્ટ બેટર તૈયાર કરો. ત્યારબાદ હવે એક કડાઈમાં 1 ટીસ્પૂન તેલ મૂકી મધ્યમ તાપ પર ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં અજમો અને લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ નાખીને સાંતળો. આ પછી તેમાં મેશ કરેલા બટાકા ઉમેરો અને મિક્સ કરો. થોડી વાર પછી તેમાં કોથમીર નાખીને મિક્સ કરો. હવે બટાકાને તવામાંથી કાઢીને ઠંડા થવા દો. હવે બટાકામાંથી નાના ગોળા બનાવો.હવે તૈયાર કરેલા બોલની વચ્ચે પનીરનો ટુકડો મૂકો અને તેને ફરીથી બંધ કરો. આ રીતે બધા બોલ તૈયાર કરી લો. બોલ્સ તૈયાર થઈ ગયા પછી કડાઈમાં તેલ મૂકીને તેલને ગરમ કરો. તેલ બરાબર ગરમ થાય એટલે ચણાના લોટમાં બોલ્સને બોળીને તેલમાં ઉમેરીને તળી લો. બૉલ્સને બધી બાજુથી સોનેરી થાય ત્યાં સુધી તળી લો. ટેસ્ટી પોટેટો પનીર શોટ્સ તૈયાર છે, તેને ચટણી સાથે સર્વ કરો.