Weather Forecast:હવામાન વિભાગ બાદ હવામાનના નિષ્ણાત અંબાલાલે પણ રાજ્યમાં વાતાવરણમાં પલટાનો અનુમાન વ્યક્ત કરતા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે આજે રાજ્યના દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત  છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ  આવતીકાલે મધ્ય ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે.


અબાંલાલના અનુમાન મુજબ રાજ્યમાં  18 એપ્રિલ બાદ ફરી એકવાર માવઠું થઇ શકે છે. રાજ્યમાં 18 થી 20 પ્રિમોનસુન એક્ટિવિટીનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે. આ વર્ષે ખેડૂતો માટે વરસાદ સારો રહેવાની અંબાલાલ પટેલની આગાહી છે.જુલાઈ અને ઑગસ્ટ માસમાં રાજ્યમાં  સાર્વત્રિક વરસાદ રહેશે


15 એપ્રિલ બાદ કાળઝાળ ગરમીની આગાહી


તો બીજી તરફ અંબાલાલે ગરમી વધવાના પણ સંકેત આપ્યા છે. હવામાનનું આંકલન કરતા  તેમણે 15 એપ્રિલથી કાળઝાળ ગરમીની આગાહી કરી છે.  અંબાલાલના અનુમાન મુજબ 15 એપ્રિલ બાદ રાજ્યના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ શકે છે.


ભારતીય હવામાન વિભાગ અનુસાર, આગામી 24 કલાકમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.


હવામાન વિભાગે જણાવ્યું છે કે, શનિવારે ગંગાના પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે. વિદર્ભના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વીજળી પડવાની સંભાવના છે.


જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ અને મધ્ય પ્રદેશમાં  ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઇ શકે છે.  40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે આ રાજ્યોના કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી શકે છે.


સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, રાજસ્થાનમાં આંધી, ધૂળની આંધી અને વીજળીના ચમકારા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના તાપમાનમાં નજીવો ઘટાડો જોવા મળશે.


હવામાન વિભાગે કહ્યું છે કે, ઉત્તરાખંડ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, લક્ષદ્વીપમાં વીજળીની સાથે જોરદાર પવન ફૂંકાઈ શકે છે. છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કોસ્ટલ કર્ણાટક જેવા રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની સંભાવના છે.


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દિલ્હી-NCRમાં જોવા મળશે, જેના કારણે મહત્તમ તાપમાન 35 ડિગ્રીથી નીચે આવી શકે છે. ભારે પવન સાથે દિવસમાં વાતાવરણ  વાદળછાયું રહેશે. IMD દ્વારા પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે