નવી દિલ્હીઃ  ICMR કહેવા પ્રમાણે કોરોના વેક્સીનના બંન્ને ડોઝ લીધા બાદ મોતનો ખતરો 95 ટકા ઓછો થઇ જાય છે અને એક ડોઝથી 82 ટકા સુધી મોતનો ખતરો ઓછો થઇ જાય છે. તાજેતરમાં જ આઇસીએમઆરએ તમિલનાડુ પોલીસકર્મીઓ પર એક સ્ટડી કર્યો હતો જેના આધાર પર આ દાવો કર્યો હતો.


તમિલનાડુ પોલીસ પર આઇસીએમઆરએ આ વર્ષે એક ફેબ્રુઆરીથી 14 મે વચ્ચે એક અભ્યાસ કર્યો  હતો જેમાં તમિલનાડુના પોલીસ જવાનોને સામેલ કરવામાં આવ્યા હતા કારણ કે તે ફર્ટલાઇન વર્કર છે અને લોકો વચ્ચે રહે છે. કુલ 1,17,524 પોલીસ જવાનો પર એક સ્ટડી કર્યો હતો જેમાં 67,673 પોલીસ કર્મીઓએ  વેક્સીનના બંન્ને ડોઝ લીધા હતા જ્યારે 32,792એ ફક્ત એક ડોઝ લીધો હતો અને 17,059 એવા હતા જેમણે વેક્સીનનો એક પણ ડોઝ લીધો નહોતો.


અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે તેમાંથી 31 લોકોનું મોત થયું હતું જેમાંથી ચાર લોકો એવા હતા જેમણે બંન્ને ડોઝ લીધા હતા. જ્યારે સાત લોકોએ વેક્સીનની એક ડોઝ લીધી હતી અને 20 લોકો એવા હતા જેમણે કોરોનાની વેક્સીન લગાવી નહોતી.


આ સ્ટડીના કારણે સ્પષ્ટ થાય છે કે જેમણે બંન્ને ડોઝ લીધી હતી તેમાં મોતનો ખતરો 95 ટકા ઓછો થઇ જાય છે અને એક ડોઝથી 82 ટકા મોતનો ખતરો ઘટી જાય છે. સાથે અભ્યાસમાં જાણવા મળ્યું કે વેક્સીન લીધી હોય તેવા લોકોને હોસ્પિટલમાં જવાની શક્યતા 77 ટકા ઓછી થઇ જાય છે. ઓક્સીજનની જરૂરિયાત 95 ટકા ઓછી થઇ જાય છે. આઇસીયૂની જરૂરિયાત 94 ટકા ઘટી જાય છે. અભ્યાસથી જાણવા મળ્યુ છે કે જો કોઇ પણ વ્યક્તિ કોરોનાની વેક્સીન લઇ લે તો બચાવ થાય છે. જો વેક્સીન લીધી હોય તેવી વ્યક્તિને કોરોના થઇ જાય છે તો વ્યક્તિને ગંભીર અસર પહોંચતી નથી અને તેનો જીવ જવાનો ખતરો ઘટી જાય છે.