1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એઇડ્સ દિવસ. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે લોકોને એઇડ્સ વિશે જાગૃત કરી શકાય.AIDS HIV અથવા હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસને કારણે થાય છે. આ વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલી નબળી પાડે છે કે શરીર અન્ય કોઈ ચેપ અથવા રોગને સહન કરી શકતું નથી.


એચઆઈવી એક એવો વાયરસ છે, જો તેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે પછીથી એઈડ્સ રોગ બની જાય છે. હજુ સુધી તેનો કોઈ નક્કર ઈલાજ નથી, પરંતુ કેટલીક દવાઓની મદદથી વાયરલ લોડને ઘટાડી શકાય છે જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે છે.


એચઆઇવી 1981માં જ મળી આવ્યો હતો પરંતુ ભારતમાં તેનો પહેલો કેસ 1986માં નોંધાયો હતો. ત્યારબાદ ચેન્નઈમાં રહેતી કેટલીક સેક્સ વર્કર્સમાં આ ચેપની પુષ્ટી થઈ હતી. ત્યાં સુધીમાં HIV વિશ્વના ઘણા દેશોમાં પહોંચી ગયો હતો અને ભારતમાં પણ પ્રવેશી ચૂક્યો હતો. એચઆઈવી સંક્રમણના મામલામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે.


મધ્યપ્રદેશ સ્થિત કાર્યકર્તા ચંદ્ર શેખર ગૌરે એક RTI દાખલ કરી જેના જવાબમાં નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (NACO) એ જણાવ્યું હતું કે ભારતમાં 10 વર્ષમાં 17 લાખથી વધુ લોકો અસુરક્ષિત સેક્સને કારણે HIVનો શિકાર બન્યા છે. NACO મુજબ, 2011 અને 2021 ની વચ્ચે, 15,782 લોકો એવા છે જેઓ સંક્રમિત રક્ત દ્વારા HIV પોઝીટીવ બન્યા છે. જ્યારે 4,423 બાળકોને માતા દ્વારા ચેપ લાગ્યો છે.


એચઆઈવીનો ચેપ લાગવાનું સૌથી મોટું કારણ અસુરક્ષિત સેક્સ છે. ઘણા કિસ્સાઓમાં ચેપગ્રસ્ત લોહીના સંપર્કમાં આવવાથી પણ ચેપ થાય છે. બાળકોમાં આ ચેપ તેમની માતા દ્વારા આવે છે. આ વાયરસને દુનિયામાં આવ્યાને 40 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નક્કર ઈલાજ નથી. આનાથી સંક્રમિત લોકોને એન્ટિ રેટ્રોવાયરલ થેરાપી (ART) આપવામાં આવે છે જે વાયરલ લોડને ઘટાડે છે. જો સમયસર સારવાર કરવામાં આવે તો તે ઘણી મદદ કરે છે પરંતુ જો તેમ કરવામાં ન આવે તો એઇડ્સ થવાનું જોખમ વધી જાય છે. સામાન્ય રીતે AIDS રોગ HIV ની પકડમાં આવ્યાના ઘણા વર્ષો પછી થાય છે.


આંકડાઓ શું કહે છે?


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, અત્યારે પણ આ વાયરસ દર વર્ષે લાખો લોકોને સંક્રમિત કરી રહ્યો છે. 2021 ના ​​અંત સુધીમાં વિશ્વમાં 3.84 કરોડ લોકો આ વાયરસથી સંક્રમિત હતા. 2021 માં HIV વિશ્વભરમાં 6.5 લાખ લોકોના મૃત્યુનું કારણ હતું. NACO અનુસાર, 2021 માં, ભારતમાં AIDSના 62,967 નવા કેસ નોંધાયા હતા અને 41,968 લોકો મૃત્યુ પામ્યા હતા. એટલે કે દરરોજ સરેરાશ 115 મૃત્યુ થાય છે. યુએન એઇડ્સના આંકડા દર્શાવે છે કે 2021 સુધીમાં ભારતમાં 24 લાખ લોકો એચઆઇવી સંક્રમિત હતા.


આ રીતે વાયરસ ફેલાય છે


અસુરક્ષિત સંભોગ કરવાથી અને ચેપગ્રસ્ત લોહીના સંપર્કમાં આવવાથી એચઆઈવીનું જોખમ વધે છે. યોગ્ય સમયે તેની સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે ત્યારે ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. જેમ કે તાવ, ગળામાં દુખાવો અથવા નબળાઈ. આ પછી જ્યાં સુધી એઇડ્સ ન બને ત્યાં સુધી આ રોગમાં કોઈ લક્ષણો દેખાતા નથી. એઈડ્સ થવા પર વજન ઘટવું, તાવ કે રાત્રે પરસેવો થવો, થાક-નબળાઈ જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે એચ.આઇ.વી એઇડ્સમાં પરિવર્તિત થવા માટે ત્રણ તબક્કાઓ લે છે.


પ્રથમ તબક્કો


HIV ચેપ વ્યક્તિના લોહીમાં ફેલાય છે. ઘણા વધુ લોકોમાં ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. આ તબક્કામાં ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે. જો કે, ઘણી વખત ચેપગ્રસ્ત વ્યક્તિને કોઈ લક્ષણો પણ નથી લાગતા.


બીજો તબક્કો


આ એવો તબક્કો છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ વાયરસ સક્રિય રહે છે. કેટલીકવાર 10 વર્ષથી વધુ સમય પસાર થાય છે પરંતુ વ્યક્તિને દવાની જરૂર નથી. આ દરમિયાન વ્યક્તિ ચેપ ફેલાવી શકે છે. આખરે વાયરલ લોડ વધે છે અને વ્યક્તિમાં લક્ષણો દેખાવા લાગે છે.


ત્રીજો તબક્કો


જો HIVની જાણ થતાં જ દવા શરૂ કરવામાં આવે તો આ સ્ટેજ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી રહે છે. આ એચઆઈવીનો સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ એઈડ્સથી પીડિત થઈ જાય છે. એઇડ્સના કારણે વ્યક્તિમાં વાયરલ લોડ ખૂબ જ વધી જાય છે અને તે ખૂબ જ ચેપી બની જાય છે. આ તબક્કામાં વ્યક્તિ માટે સારવાર વિના 3 વર્ષ જીવવું મુશ્કેલ છે.


કેવી રીતે બચાવી શકાય


એચ.આય.વી સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ સેક્સ વર્કર્સમાં HIVનો પહેલો કેસ સામે આવ્યો હતો. એટલા માટે તમારે સેક્સ કરતી વખતે સાવચેતી રાખવી જોઈએ. આ સિવાય ઈન્જેક્શન દ્વારા દવાઓ લેનારાઓથી પણ દૂર રહેવું જોઈએ.


જો એચ.આઈ.વી ( HIV) ની જાણ થઈ જાય તો ગભરાવાની જગ્યાએ તરત જ એન્ટિરેટ્રોવાયરલ થેરાપી શરૂ કરો, કારણ કે એચઆઈવી શરીરને ખૂબ જ નબળું બનાવે છે અને ધીમે ધીમે અન્ય રોગો પણ તેને ઘેરવા લાગે છે. જો કે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાઓ દ્વારા તેનાથી બચી શકાય છે.