બાળકોના વિકાસ માટે તેમના હાડકા મજબુત હોય તે ખુબ જરૂરી છે. તેમના હાડકા મજબુત બને તે માટે જરૂરી છે કે તમે બાળકોને પોષક તત્વોથી ભરપુર આહાર આપો. સ્વસ્થ જીવનશૈલી અને પોષકતત્વોથી ભરપુર આહાર બાળકોની ઓવરઓલ હેલ્થ અને ગ્રોથ માટે ખુબ જરૂરી છે. અહીં આપેલી કેટલીક ટિપ્સ અપનાવો અને તમારા બાળકોના હાડકા મજબુત બનાવો. દરેક વ્યક્તિના હાડકા બાળપણ અને કિશોરાવસ્થામાં જ મજબુત બને છે. આ દરમિયાન હાડકાનું ઘનત્વ ઝડપથી વિકસે છે. જ્યારે બાળકો 18થી 25 વર્ષના થઇ જાય ત્યારે હાડકાંઓનું ઘનત્વ વધવાનું બંધ થઇ જાય છે, કેમકે 90 ટકા હાડકા પહેલા વિકસી ચુક્યા હોય છે. આવા સંજોગોમાં જે પેરેન્ટ્સ પોતાના બાળકોનો શારિરીક અને માનસિક વિકાસ ઇચ્છતા હોય તેમણે બાળકોની હેલ્થ પર પહેલેથી જ ધ્યાન આપવુ જોઇએ.


વિટામીન ડીથી ભરપુર આહાર જરૂરી:


વિટામીન ડી તમારા હાડકાને સ્વસ્થ બનાવવામાં જરૂરી ભુમિકા ભજવે છે. તમારા શરીરના કેલ્શિયમને હાડકા સુધી પહોંચાડે છે. આજકાલ બાળકો અને વયસ્કો બંનેમાં વિટામીન ડીની કમી સામાન્ય બાબત છે. જે હાડકાનાં સ્વાસ્થ્ય માટે સારુ નથી. વિટામીન ડીની કમીથી આગળ જઇને કેટલીયે પરેશાનીઓ થાય છે. કેટલાય અભ્યાસોમાં સામે આવ્યુ છે કે વિટામીન ડીનું સ્તર ઘટવાથી હાડકાંની ઘનતા ધટે છે અને હાડકાને નુકશાન પહોંચે છે. વિટામીન ડીનો સૌથી સારો સ્ત્રોત સુરજની રોશની છે. તેથી કોશિશ કરો કે તમારા બાળકોને કમસે કમ અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ 10 મિનિટ સુર્યના કિરણો મળે.


કેલ્શિયમનું પ્રમાણ જાળવો:


કેલ્શિયમ હાડકાના નિર્માણમાં મહત્ત્વની ભુમિકા ભજવે છે અને તે માંસપેશીઓને મજબુત બનાવવા અને હ્રદયના સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે મહત્ત્વપુર્ણ છે. દુધ, પનીર અને દહીં જેવા ડેરી ઉત્પાદનો કેલ્શિયમનું પાવરહાઉસ છે. બાળકોને દુધ પીવડાવો. બાળકોને દહીં ખવડાવો અને લીલા શાકભાજી પણ ભોજનમાં સામેલ કરો.


વિટામીન કે અને મેગ્નેશિયમને બાળકોના ડાયેટમાં સામેલ કરો:


વિટામીન કે અને મેગ્નેશિયમની વધુ માત્રાવાળા લોકોના હાડકાનું ઘનત્વ બહુ સારુ હોય છે. તેમને રિકેટ્સ અને ઓસ્ટિઓપોરોસિસ જેવી હાડકાંની બિમારીનો ખતરો પણ ઓછો રહે છે. તેથી બાળકોને નાની ઉંમરમાં વિટામીન કે અને મેગ્નેશિયમથી ભરપુર આહાર ખવડાવો. તેમાં લીલા શાકભાજી જેમકે પાલક, કેળ, કોબીજ, સીરિયલ્સ અને અંકુરિત અનાજ વિટામીન કે અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે.


બાળકોને સારી લાઇફસ્ટાઇલ માટે પ્રોત્સાહિત કરો:


આજના ડિજિટલ યુગમાં મોટાઓની સાથે સાથે બાળકો પણ મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર જેવી વસ્તુઓના વ્યસની થઇ ચુક્યા છે. આજકાલ મોટાભાગના બાળકો મોબાઇલ પર ગેમ રમતા રમતા રૂમ સુધી સીમિત રહે છે. બહાર જઇને રમવું તેમના આરોગ્ય માટે સારુ છે. બાળકોને બહારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરો, જેથી શરીર એક્ટિવ રહી શકે.