અમદાવાદઃ વિશ્વના સૌથી ધનિક લોકોમાં એક ચીનનો જેક મા પણ છે. જેક માનું ‘અલીબાબા’ ગ્રુપ ચીનમાં સૌથી મોટું કોર્પોરેટ ગ્રુપ છે. ‘અલીબાબા’ ચીનમાં સૌથી મોટી ઈ-કોમર્સ વેબસાઈટ છે ને તેમાંથી ધૂમ કમાણી કરે છે. ગુગલના ક્રોમને હંફાવી રહેલું યુસી બ્રાઉઝર પણ ‘અલીબાબા’નું જ છે. માર્કેટ શેરમાં ગુગલ અને સફારી પછી યુસી બ્રાઉઝર ત્રીજા નંબરે છે ને સેલફોનમાં તો નંબર વન છે.

‘અલીબાબા’ ગ્રુપ પાસે 20,000 કર્મચારી છે.  વર્ષે 40 અબજ ડોલરની તેની કમાણી છે ને તેમાંથી 10 અબજ ડોલરની આસપાસ તો ચોખ્ખો નફો છે. જેકનું સામ્રાજ્ય મોટું છે પણ તેના ગ્રુપનું નામ વિચિત્ર છે. મોટાં કોર્પોરેટ ગ્રુપ અંગ્રેજી નામ પસંદ કરીને તેને પોતની ઓળખ બનાવે છે ત્યારે જેક માએ ‘અલીબાબા’ જેવું વિચિત્ર લાગે તેવું નામ કેમ પસંદ કર્યું તેનું ઘણાંને આશ્ચર્ય થાય છે.

આ આશ્ચર્ય થવું સ્વાભાવિક છે કેમ કે ‘અલીબાબા’ અરેબિયન નાઈટ્સની વાર્તાઓમાં એક છે. ચીનને આરબો સાથે કીં લેવાદેવા નથી ત્યારે  જેક માને આ ‘અલીબાબા’ નામ ક્યાંથી મળી ગયું ? આ સવાલનો જવાબ જેક માના બાળપણ અને અમેરિકાની પહેલી યાત્રામાં છે.  ‘અલીબાબા’ જેવું હટ કે નામ કેમ પસંદ કર્યું તેની વાત મજાની છે.



જેક ચીનમાં હાંગઝુ યુનિવર્સિટીમાં અંગ્રેજીના લેક્ચરર તરીકે નોકરી કરતો ત્યારે  સાઈડ ઈન્કમ માટે ટ્રાન્સલેશન બિઝનેસ શરૂ કરેલો. ચીનમાં ચાઈનીઝ સિવાય બીજી કોઈ ભાષાનું ચલણ નથી તેથી અંગ્રેજીમાંથી ચાઈનીઝ ને ચાઈનીઝમાંથી અંગ્રેજીનું ટ્રાન્સલેશનનું કામ તેની કંપની કરતી.

ચીનની એક મોટી કંપની માટે એ કામ કરતો. આ કંપનીના અમેરિકાની મોટી કંપની પાસેથી બાકી નિકળતાં નાણાં લેવા જેક મા 1995માં અમેરિકા ગયેલો. અમેરિકામાં પહેલી વાર તેણે ઈન્ટરનેટનો ઉપયોગ કર્યો.  નવીસવી શરૂ થયેલી એમેઝોનનનો ઓનલાઈન સ્ટોર જોયો ને દંગ થઈ ગયો. જેકે ઈન્ટરનેટ પર ચાઈનીઝ બીયર સર્ચ કર્યું પણ ચાઈનીઝ બીયર જ નહોતી. જેકે બીજી પણ ચાઈનીઝ ચીજો માટે સર્ચ કર્યું પણ સફળતા ના મળી.



જેકને કોમ્પ્યુટર કોડિંગની કે બીજી કોઈ ખબર નહોતી પડતી પણ આ જોયા પછી તેને લાગ્યું કે, ચીન આટલો મોટો દેશ છે ને તેની પ્રોડક્ટ ઓનલાઈન નથી. આ પ્રોડક્ટ ઓનલાઈન મૂકાય તો શું થાય ?  ધીરે ધીરે અંકોડા ગોઠવાતા ગયા. તેણે નક્કી કર્યું કે, ચીનમાં જઈને ઓનલાઈન સ્ટોર શરૂ કરવો.



જેક નાનો હતો ત્યારે તેણે ‘અલીબાબા અને ચાલીસ ચોર’ની વાર્તા વાંચેલી. આ વાર્તામાં ચોરોએ લૂંટેલા માલથી ભરેલી ગુફાનો દરવાજો ‘ખૂલ જા સીમ સીમ’ શબ્દોથી ખૂલે છે. એ વખતે પાસવર્ડ શબ્દ નહોતો પણ વાસ્તવમાં તો ચાલીસ ચોરો માટે ‘ખૂલ જા સીમ સીમ’ એ પાસવર્ડ હતો. જેકે નક્કી કર્યું કે, હવે તેનો ઓનલાઈન સ્ટોર પણ ચીનનાં લોકો માટે સમૃધ્ધિનો દરવાજો ખોલી દેશે તેથી તેણે પોતાની નવી કંપનીનું નામ ‘અલીબાબા’ રાખવાનું નક્કી કરી નાંખ્યું. જેક માએ લોકો માટે ખજાનો ખોલી નાંખવા ‘અલીબાબા’ નામ પસંદ કર્યું.