Mpox: કોંગોમાં ફેલાયેલા એમપોક્સ વેરિયન્ટ હવે કેન્યા અને આફ્રિકાના અનેક દેશોમાં ફેલાવા લાગ્યો છે. જેને લઈ આરોગ્ય અધિકારીઓ ચિંતિત બન્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ આ વાયરસ લોકો માટે ખતરો હોવાનું જણાવ્યું છે.  કેન્યાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, યુગાન્ડા, રવાન્ડા અને તાન્ઝાનિયાથી આવેલા ટ્રક ડ્રાયવરમાં 29 જુલાઈના રોજ એમપોક્સના લક્ષણો જોવા મળ્યા હતા.


એમપોક્સ શું છે?


સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, શરૂઆતમાં ઘણા વાંદરાઓમાં આ વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. વર્ષ 1958માં તેનું નામ મંકીપોક્સ હતું. મંકીપોક્સનો પહેલો કેસ 1970માં કોંગોમાં નવ મહિનાની બાળકીમાં જોવા મળ્યો હતો. મંકીપોક્સના મોટાભાગના કેસો મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના જંગલોમાં જોવા મળે છે. અહીંના લોકો તેમની આસપાસ રહેતા પ્રાણીઓથી સંક્રમિત થાય છે. અહીં મુસાફરી કરનાર કોઈપણ વ્યક્તિને મંકીપોક્સ પણ થઈ શકે છે. તેના લક્ષણો છે તાવ, ગંભીર માથાનો દુખાવો, સ્નાયુમાં દુખાવો અને કમરનો દુખાવો. 2022માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંકીપોક્સનું નામ બદલીને 'mpox' કરી દીધું હતું. બે વર્ષ પહેલા જ્યારે મંકીપોક્સનો પ્રકોપ વધ્યો ત્યારે ઘણી જગ્યાએ જાતિવાદી અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું જોવા મળ્યું હતું. WHOને આ અંગે જાણ કરવામાં આવી હતી. આ અંગે ચિંતા વ્યક્ત કરતા ઘણા દેશોએ WHOને આ રોગનું નામ બદલવા માટે કહ્યું હતું. જે બાદ ખતરનાક રોગ મંકીપોક્સનું નામ બદલીને એમપોક્સ કરવામાં આવ્યું હતું.


એમપોક્સ થયા બાદ  શું કરશો?



  • 21 દિવસનું આઇસોલેશન

  • થર્ડ લેયરનું માસ્ક લાગુ કરો

  • વારંવાર હાથ ધોવા

  • ઘાને કવર કરીને રાખો

  • એમપોક્સથી પીડિત દર્દી દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓનો ઉપયોગ કરશો નહીં.

  • હાથને સાબુ, હેન્ડવોશ અને સેનિટાઈઝરથી સાફ રાખો.


એમપોક્સના લક્ષણો



  • તાવ

  • ત્વચા પર ફોલ્લીઓ

  • માથાનો દુખાવો

  • સ્નાયુઓમાં દુખાવો અથવા થાક

  • ગળામાં ખરાશ અને ઉધરસ




એમપોક્સમાં થતી પરેશાની



  • આંખમાં દુખાવો થવો

  • શ્વાસ લેવામાં તકલીફ

  • વારંવાર મૂર્છા આવી જવી

  • પેશાબ ઓછો થવો જેવી સમસ્યા થવી 


 શું કહે છે એક્સપર્ટ?


એક્સપર્ટનું કહેવું છે કે, એમપોક્સ વાયરસ એક ડબલ સ્ટેંડેડ ડીએનએ વાયરસ છે, જે પોક્સવિરિડે પરિવારના ઓર્થોપોક્સ વાયરસ જીનસ સાથે સંબંધિત છે. મંકીપોક્સ વાયરસના બે અલગ-અલગ આનુવાંશિક સમૂહ છે. એક મધ્ય આફ્રિકી (કોંગો બેસિન) ક્લૈડ અને બીજો પશ્ચિમ આફ્રિકી ક્લૈડ. કોગો બેસિન ક્લૈડ એટલે કે મધ્ય આફ્રિકી વિસ્તારમાંથી ફેલાયેલ વાયરસ ઘણો ગંભીર છે અને ઘણો ઝડપથી ફેલાતો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ડોક્ટરોનું કહેવું છે કે જાનવરોની વિવિધ પ્રજાતિઓમાંથી આ રોગ ફેલાઈ શકે છે.