કર્ણાટકની રાજધાની બેંગલોર આઇટી હબ તરીકે પ્રખ્યાત છે, પરંતુ તે મહત્ત્વનું પ્રવાસન સ્થળ પણ છે. ગાર્ડન સિટી તરીકે ઓળખાતું આ શહેર તેની ધબકતી નાઇટલાઇફ, શોપિંગ સેન્ટર, ભવ્ય રાજમહેલો માટે જાણીતું છે. અહીં બેંગલોરના મહત્ત્વના આકર્ષણ સ્થળોની માહિતી આપવામાં આવી છે.

બેંગલોર પેલેસ

બેંગલોરના મલ્લેશ્વરમાં વિસ્તારમાં આવેલો બેંગલોર પેલેસ જાણીતું પ્રવાસન સ્થળ છે. આજુબાજુ સુંદર બગીચા સાથેના આ રાજમહેલની માલિકી મૈસૂર રોયલ ફેમિલી પાસે છે.

લાલબાગ  બોટનિકલ ગાર્ડન

સેન્ટ્રલ બેંગ્લોરથી આશે આઠ કિમી દૂર આવેલા આ બોટનિકલ ગાર્ડન તમામ પ્રકૃતિપ્રેમી લોકો માટેનું સ્વર્ગ છે. 1760માં હૈદર અલીએ તેનું નિર્માણ ચાલુ કર્યું હતું અને ટીપુ સુલતાને તેનું કાર્ય પૂર્ણ કર્યું હતું. આ ગાર્ડમાં ફ્રાન્સ, પર્શિયા અને અફધાનિસ્તાનના દૂર્લભ છોડ અને વૃક્ષો આવેલા છે. હવે તે સરકારી સરકારી બોટનિકલ ગાર્ડન તરીકે ઓળખાય છે. આશરે 300 મિલિયન વર્ષ જૂનો લાલબાગ રોક પ્રવાસીઓનું મુખ્ય આકર્ષણ છે.

બેનરઘાટ નેશનલ પાર્ક

આ પાર્કમાં દેશનો પ્રથમ બટરફ્લાય પાર્ક છે. બટરફ્લાય પાર્ક સાથે અહીં સુંદર બગીચા પણ છે. અહીં પ્રવાસીઓ સફારી રાઇડ્સનો આનંદ પણ માણી શકાય છે. અહીં વાઘ, સિંહ, મગર જેવા જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે.



વન્ડરલા એમ્યુઝમેન્ટ પાર્ક

સેન્ટ્રલ બેંગ્લોરથી આશરે 26 કિમી દૂર આવેલા વંડરલા એમ્યુઝમેન્ટ પાર્કનો દેશના શ્રેષ્ઠ એમ્યુઝમેન્ટ પાર્કમાં સમાવેશ થાય છે. આ પાર્ક હાઇ થ્રીલ રાઇડ્સ અને ફન સાઇડ્સ માટે જાણીતો છે. તેમાં રિલેક્સ થવા માટે શાંત અને સુંદર સ્થળો આવેલા છે.

ઇસ્કોન ટેમ્પલ

ધાર્મિક મહત્ત્વ ઉપરાંત ઇસ્કોન ટેમ્પલ એક સાંસ્કૃતિ સેન્ટર છે. આ મંદિર સવારના 4.30થી સાંજના 5 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ભવ્ય આરતી સાથે દિવસનો શુભારંભ થાય છે. શ્રી રાધા-ક્રિષ્ના, ક્રિષ્ના-બલરામ, શ્રીનિવાસ ગોવિંદની ભવ્ય મૂર્તિના દર્શનનો લાભ લઈ શકાય છે.

ઇનોવેટિવ ફિલ્મ સિટી

આ થીમ પાર્કમાં એક દિવસની ટ્રીપનો આનંદ લઈ શકાય છે. વાલ્ડ વાઇલ્ડ વેસ્ટ, મિનિચર સિટી, કાર્ટૂન સિટી, વોટર રાઇટ્સ, વન્નાડો સિટી, ફેશન કાફે જેવા વિવિધ સેક્શનનો અહીં આનંદ માણી શકાય છે.



ટિપુ સુલ્તાન સમર પેલેસ

સેન્ટ્રલ બેંગ્લોરથી આશરે ત્રણ કિમી દૂર આવેલું આ સ્મારક ટિપુ સુલ્તાન ફોર્ટમાં આવેલું છે. 1781થી 1791માં નિર્માણ થયું હતું. સુલ્તાન આ મહેલને રસ-એ જન્નત તરીકે ઓળખાવતા હતા. અહીં જૂના વખતની કલા-કારીગરીનો આનંદ માણી શકાય છે.

બેંગલોર એક્વેરિયમ

કબન પાર્કમાં આવેલું બેંગ્લોર એક્વેરિયમ સૌથી પ્રખ્યાત અને ભારતના બીજા ક્રમનું સૌથી મોટું એક્વેરિયમ છે. 1983માં સ્થાપવામાં આવેલા આ એક્વેરિયમમાં વિવિધ પ્રકારના માછલીઓ છે. તેમાં સિમીસ ફાઇટર્સ, કેટલા, ફ્રેશવોટર પ્રાઉન, ગોલ્ડફિશ, રેડ ટેઇલ શાર્ક વગેરેનો પણ સમાવેશ થાય છે. આ તમે કુબોન પાર્કનો પણ આનંદ મેળવી શકો છો.