વિદેશ પ્રવાસ દરેકનું સપનું હોય છે, પરંતુ વીઝાના પેપરવર્કથી મોટા ભાગના લોકો નિરાશ થઈ જાય છે. આવા લોકો માટે આનંદના સમાચાર એ છે કે ઘણા દેશોમાં વીઝા વગર પણ પ્રવાસ કરી શકાય છે. તમે વીઝા વગર મુલાકાત લઈ શકો તેવા ટોચના દેશોની અહીં યાદી છે.

ભુતાન

હિમાલયના ખોળામાં આવેલો આ દેશ વિશ્વનો સૌથી હેપ્પીએસ્ટ કન્ટ્રી છે. ભુતાનની મુલાકાત માટે ભારતના નાગરિકોએ વીઝા લેવા પડતા નથી. સરકાર માન્ય આઇ કાર્ડ અહીં છ મહિના માટે તમારો વેલિડ પાસપોર્ટ બને છે. ભારતીય ચૂંટણીપંચનું ચૂંટણી કાર્ડ પણ અહીં માન્ય છે.

હોંગકોંગ

હોંગકોંગ બીજું લોકપ્રિય પ્રવાસન સ્થળ છે કે જે વીઝા ફ્રી છે. હોંગકોંગની મુલાકાત માટે માત્ર તમારે એક ઓનલાઇન ફોર્મ ભરવાનું હોય છે અને તમને 14 દિવસ માટે વિઝા ફ્રી સ્ટે મળે છે. રેસ્ટોરા, પબ અને મનોરંજનના બીજા સ્થળો માટે હોંગકોંગ પ્રખ્યાત છે અને ખરીદીના શોખીન લોકો માટે ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટ અને લેડિઝ માર્કેટ આદર્શ છે.



મકાઉ

બોલિવૂડ અને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણા એવોર્ડ કાર્યક્રમને કારણે મકાઉ ભારતના લોકો માટે લોકપ્રિય બન્યું છે. તમે ભારતના પાસપોર્ટ સાથે આ એશિયાના લાસ વેગાસમાં પ્રવેશ કરી શકો છો. એક મહિનાના રહેઠાણ માટે કોઇ વીઝાની જરૂર પડતી નથી. તે ગેમ્બર્સ માટેનું સ્વર્ગ છે. ચીન અને પાર્ટૂગલના નાગરિકોએ બાંધેલી ઇમારતો અદભૂત અનુભવ કરાવે છે.

નેપાળ

લોકો માટે નેપાળ એટલું પરિચિત છે કે લોકો ભૂલી જાય છે કે તે અલગ દેશ છે. તમે વીઝા વગર સડક કે હવાઇ માર્ગે નેપાળ જઈ શકો છો. ફ્લાઇટમાં પ્રવાસ કરતી વખતે પાસપોર્ટની જરૂર પડે છે. હિમાલયની સુંદરતા માણવા માટે નેપાળ શ્રેષ્ઠ સ્થળ છે. માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે ઘણા સાહસિકો નેપાળનો માર્ગ પસંદ કરે છે. પશુપતીનાથ મંદિર અને હેરિજેટનો દરજ્જો ધરાવતો બૌધનાથ સ્તુભ નેપાળના મુખ્ય આકર્ષણ છે.

ગ્રેનેડા

વેલિડ પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર સાથે કોઇ પણ ભારતીય નાગરિક 90 દિવસ સુધી ગ્રેનેડામાં વીઝા વગર રહી શકે છે. ગ્રેનેડા તેના બીચ, કલરફૂલ હાઉસ, ગ્રીન ફોરેસ્ટ અને અંડરવોટર વનસ્પતિ માટે જાણીતો દેશ છે. તે વિશ્વમા સ્પાઇસ આઇલેન્ડ તરીકે ઓળખાય છે.



ઇન્ડોનેશિયા

ઇન્ડોનેશિયામાં ભારતના પાસપોર્ટ ધારકો માટે વીઝા ઓન એરાઇવલ પોલિસી છે. તમારી પાસે છ મહિનાની વેલિડિટીનો પાસપોર્ટ, તેમાં બે કોરા પેજ અને વેલિડ રિટર્ન ટિકિટ જરૂરી છે. તેનાથી આગમન સમયે વીઝા મળે છે. આ ટાપુ દેશ તેના બીચ અને ટેમ્પલ માટે જાણીતો છે. ઇન્ડોનેશિયાનો બાલી ટાપુ જાણીતું હનીમૂન સ્પોટ છે.

મોરેશિયસ

સુંદર બીચ અને હોલિડે રિસોર્ટ માટે જાણીતા આ દેશો માટે વીઝાના નિયંત્રણો નથી. ભારતીય નાગરિકને વીઝા ઓન એરાઇવલ મળે છે. મોરેશિયલની મુલાકાત માટે પાસપોર્ટ, વેલિડ રિટર્ન ટિકિટ, કન્ફર્મ બુકિંગ અને પૂરતા ભંડોળની જરૂર પડે છે.