તમે પરિવાર સાથે રમણીય અને શાંત પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી છે, પરંતુ ઘણીવખત ઘણી વખત વ્યકિતને પોતાની જાતને ઓળખવા, આત્મચિંતન કરવા અને માનસિક શાંતિ મેળવવા માટે એકલા મુસાફરી કરવાની ઇચ્છા થતી હોય છે. માત્ર પોતાની જાત સાથે પ્રવાસ કરતી વખતે સૌથી પ્રથમ તમારે વિશ્વાસ કેળવવો પડે છે અને એકલતાની મજા માણતા શીખવું પડે છે. આવો પ્રવાસ કરતી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે, જેની અહીં ઉપયોગી માહિતી આપવામાં આવી છે.

સુરક્ષા

મોટા ભાગના પ્રવાસન સ્થળોમાં ઘણી સુરક્ષા હોય છે, પરંતુ જ્યારે તમે એકલા પ્રવાસ કરતા હોવ ત્યારે તમારે તમારી સલામતીનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેથી પ્રવાસ નક્કી કરતા પહેલા પૂરતું રિસર્ચ કરો. કોઇપણ કિંમતી સામાન ક્યારેય પોતાની સાથે ન રાખો. હંમેશા રાત્રે પ્રવાસ કરવાનું ટાળો. દરેક પ્રવાસન સ્થળને અનુરૂપ હોય તેવો ડ્રેસ પહેરો.

ઓળખના પૂરતા દસ્તાવેજ

એકલા પ્રવાસ કરતી વખતે ઓળખના પુરાવાની ચારથી પાંચ નકલ રાખવી જોઇએ. પ્રવાસમાં મોટરસાઇકલ કે કાર ભાડે લેતી વખતે તમારે ઓળખપત્રની નકલ આપવી પડે છે. હોટેલમાં ચેક-ઇન વખતે પણ આવી નકલની જરૂર પડે છે. તમારા માટે મહત્ત્વના હોય તેવા તમામ ફોન નંબર મોબાઇલ ફોનમાં સેવ કરી રાખો. આ ફોનનંબર તમારી ડાયરીમાં પણ રાખો. ફોન ખોવાઈ કે બગડી જાય તો તે ઉપયોગી બને છે.



ફ્લાઇટ કે ટ્રેનનું બુકિંગ

તમારા તમામ જરૂરી દસ્તાવેજ સાથે ફ્લાઇટ કે ટ્રેનની ટિકિટ રાખો. નવા શહેરમાં આવીને હોટેલ શોધવાનું મુશ્કેલ હોય છે. ઘણીવાર તાત્કાલિક હોટેલ બુકિંગથી વધુ ખર્ચ થાય છે. હોટેલની તમામ માહિતી મેળવ્યા બાદ તેમાં બુકિંગ કરો. નકશાનો અભ્યાસ કરવાથી તમને નવા સ્થળની ઉડતી માહિતી મળી જાય છે. તેનાથી વિવિધ સ્થળ વચ્ચેના અંતર અને તેના સમયની ખબર પડે છે.

સગા-સંબંધી સાથે હંમેશા સંપર્ક રાખો

પ્રવાસ કરતી વખતે તમે ઘરેથી ઘણા દૂર હોવ છે. આવા સમયે કોઇ મુશ્કેલી કે અકસ્માતની પણ શક્યતા રહે છે. તેથી તમારા હાલના સ્થળ અંગે તમારા ઘરના લોકોને હંમેશા માહિતી આપતા રહો. તમારી હોટેલનું સરનામું સહિતની વિગત આપો. કેટલાંક પ્રવાસન સ્થળોમાં હોટલાઇન હોય છે. જો તમે વિદેશમાં પ્રવાસ કરતા હોવ તો તમારા પાસપોર્ટની વેલિડિટી ચકાસો.



ઓછો સામાન

એકલા પ્રવાસ કરતી વખતે સૌથી વધુ ધ્યાનમાં રાખવા જેવી કોઇ બાબત હોય તો તે ઓછો સામાન છે. વધુ પડતા બેગેજથી તમારી મુસાફરીની મજા બગડી જાય છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય કે ફ્લાઇટ કે ટ્રેન પકડવાની હોય ત્યારે ઓછા બેગેજથી રાહત મળે છે.

એકલતાની મજા માણતા શીખો

એકલા પ્રવાસ ચાલુ કરતાં પહેલા પોતાની જાત સાથે એકાંતમાં કેવી રીતે રહેવું તેની જાણીકારી મેળવો, નહીં તો આ એકાંદ ઉદાસીમાં પલટાઈ જશે. તેથી સ્વજનોની ખોટ સાલી શકે છે, પરંતુ તે માટે માનસિક તૈયારી કરો.