ઓફિસથી ઘેર આવીને પાણી પીવા માટે તમે ફ્રિજના ઠંડા પાણીની બોટલ ઉઠાવતા હશો. ગરમીથી રાહત મેળવવાનો સરળ રસ્તો ઠંડુ પાણી છે, પરંતુ તમે કદાચ નહીં જાણતા હોવ કે ઠંડા પાણીથી તમારા આરોગ્યને શુ નુકસાન થાય છે. ચીલ્ડ વોટરથી સૌથી વધુ નુકસાન પાચનતંત્રને થાય છે. તેથી પાચકસ્ત્રાવ છૂટા પડવામાં અવરોધ ઊભો થાય છે અને તમારા શરીરને લાંબા ગાળે નુકસાન કરે છે. ઠંડું પાણી કેમ ન પીવું જોઇએ તેના અહીં કારણો આપવામાં આવ્યા છે.


પાચનતંત્રને અસર

નિષ્ણાતો જણાવે છે કે ઠંડા પાણી અને ઠંડા બેવરેજિસથી તમાર રક્તવાહિની સંકોચાઈ જાય છે. તેનાથી સમગ્ર પાચનતંત્રને અસર થાય છે. પાચન દરમિયાન પોષક તત્વો મેળવવાની સમગ્ર પ્રક્રિયા સામે અવરોધ ઊભો થાય છે. તમારું શરીર પાચન પર ફોકસ કરવાની જગ્યાએ શરીરનું તાપમાન જાળવી રાખવા પર ફોકસ કરે છે. શરીરનું સામાન્ય તાપમાન 37 ડિગ્રી સેલ્સીયસ હોય છે અને તેનાથી વધુ ઠંડુ પાણી તમારા શરીરના તાપમાનમાં ઘટાડો કરે છે. તેથી રૂમના તાપમાન જેટલું હુંફાળું પાણી હિતકારક છે.



ગળાની સમસ્યા

ઠંડુ પાણી ન પીવાનું બીજુ કારણ ગળાની વિવિધ સમસ્યા છે. તેનાથી ગળામાં કફ જામે છે અને શરદી થઈ શકે છે. ખાસ કરીને ભોજન પછી ઠંડુ પાણી પીવાથી વધુ પડતી કફ જામે છે. જે તમારા શ્વસનતંત્રને સીધી અસર કરે છે. શ્વસનતંત્રમાં કફ જામી જવાથી વિવિધ ઇન્ફેક્શન થાય છે.

ખોરાકમાંથી છૂટી પડતી ચરબીના પાચનમાં મુશ્કેલી

નિષ્ણાતો જણાવે છે કે ભોજન પછી ઠંડુ પાણી પીવાથી ખોરાકમાંથી છૂટી પડતી ચરબી વધુ ઘટ્ટ બને છે. તેથી શરીરમાં તેનું પાચન મુશ્કેલ બને છે અને શરીરમાં બિનજરૂરી ચરબી જામે છે. તેથી ભોજન બાદ ઠંડુ પાણી પીવાનું હંમેશા ટાળવું જોઇએ.



હૃદયના ધબકારાની ગતિમાં ઘટાડો

વિવિધ અભ્યાસમાં બહાર આવ્યું છે કે ઠંડા પાણીથી હૃદયના ધબકારની ગતિ ઘટી શકે છે. આઇસ વોટરથી કપાળની નસો ઉત્તેજિત થાય છે. આ નસો ચેતાતંત્રનો મુખ્ય હિસ્સો છે અને પાચનક્રિય, શ્વસનક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તેનાથી હાર્ટરેટમાં ઘટાડો થાય છે.

શોક ફેકટર

કસરત બાદ ક્યારેય ચીલ્ડ વોટર ન લેવું જોઇએ. જિમ એક્સપર્ટ જણાવે છે કે વર્કઆઉટ બાદ એક ગ્લાસ હુંફાળું પાણી વધુ આરોગ્યપ્રદ છે. તમે કસરત કરો ત્યારે શરીરમાં ઘણી ગરમી ઉત્પન્ન થાય છે. આ પછી તમે આઇસ કોલ્ડ વોટરનું સેવન કરો તો શરીરના તાપમાનમાં વિસંગતતા ઊભી થાય છે. તમારું શરીર ઠંડા પાણી સાથે સંતુલન ઊભુ કરવામાં મુશ્કેલી પડે છે. વર્કઆઉટ પછી ઠંડા પાણીથી પેટમાં દુઃખાવો ઊભો થઈ શકે છે, કારણ કે આઇસ વોટર તમારા શરીરમાં શોક ઊભો કરે છે.