International Women's Day 2024 History: વિશ્વની અડધી વસ્તી મહિલાઓની છે. તેઓ કોઈપણ બાબતમાં પુરુષોથી પાછળ નથી. સમાજની પ્રગતિમાં પુરુષોનું જેટલું જ યોગદાન છે એટલું જ મહિલાઓનું છે. પરંતુ હજુ પણ ઘણી જગ્યાએ મહિલાઓને પુરૂષોની જેમ સમાન તકો અને સન્માન મળતું નથી. આજે પણ તેમને સમાનતાના અધિકાર માટે અનેક મોરચે લડવું પડે છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને તેમને તેમના અધિકારો વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ દિવસની ઉજવણી માટે 8 માર્ચની તારીખ શા માટે પસંદ કરવામાં આવી? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શરૂઆત કેવી રીતે થઈ?
મજૂર આંદોલનના કારણે મહિલા દિવસની થઇ હતી શરૂઆત
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વાસ્તવમાં મજૂર આંદોલનની ઉપજ છે. તેની શરૂઆત વર્ષ 1908માં થઈ હતી, જ્યારે લગભગ 15 હજાર મહિલાઓ અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં પોતાના અધિકારો માટે રસ્તા પર ઉતરી હતી. આ મહિલાઓની માંગ કામકાજના કલાકો ઘટાડવા, કરેલા કામના હિસાબે પગાર આપવા અને મતદાનનો અધિકાર આપવાની પણ હતી. મહિલાઓના આ વિરોધના એક વર્ષ પછી અમેરિકાની સમાજવાદી પાર્ટીએ પ્રથમ રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની જાહેરાત કરી હતી.
શા માટે માત્ર 8 માર્ચે જ મહિલા દિવસ ઉજવાય છે?
આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો વિચાર એક મહિલા ક્લારા જેટકિનનો હતો. ક્લારા જેટકિનને વર્ષ 1910માં વૈશ્વિક સ્તરે મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે સમયે ક્લારા યુરોપિયન દેશ ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં વર્કિંગ વુમનની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહી હતી. ત્યાં હાજર તમામ મહિલાઓએ તેમનું સમર્થન કર્યું અને વર્ષ 1911માં ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, જર્મની અને સ્વિટ્ઝર્લેન્ડમાં પ્રથમ વખત મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પછી 1975માં સંયુક્ત રાષ્ટ્રે સત્તાવાર રીતે મહિલા દિવસને માન્યતા આપી અને તેની ઉજવણી માટે 8 માર્ચની તારીખ નક્કી કરી હતી. ત્યારથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે.
થીમ દર વર્ષે નક્કી કરવામાં આવે છે
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ નક્કી કરવામાં આવે છે. વર્ષ 2024 ની થીમ છે- Inspire Inclusion. આનો અર્થ એવો થાય છે કે એક એવી દુનિયા, જ્યાં દરેકને સમાન અધિકાર અને સન્માન મળે. ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ 'એમ્બ્રેસ ઇક્વિટી' હતી.